મલયેશિયા પાછળ આયાતી તેલમાં નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં 66 રિંગિટનો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના ભાવમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સિંગતેલમાં નિરસ માગે ભાવ 10 કિલોદીઠ રૂ. 10 ઘટી આવ્યા હતા. જોકે, આજે ભાવઘટાડાના માહોલમાં ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે છૂટાછવાયા વેપાર ગોઠવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ધોરણે એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1237, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1250 અને સન રિફાઈન્ડના રૂ. 1420, ઈમામીના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1250, એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1250 તથા સન રિફાઈન્ડના રૂ. 1420, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના ઑક્ટોબર ડિલિવરી શરતે રૂ. 1275 અને જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના રૂ. 1235 ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ છૂટાછવાયા વેપારો પણ થયાના અહેવાલ હતા.
આ પણ વાંચો: પાંખાં કામકાજે આયાતી તેલમાં ટકેલું વલણ
આજે ગુજરાતમાં ગોંડલ મથકે 1000 ગૂણી જૂની અને 6000 ગૂણી નવી મગફળી મળીને કુલ 7000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 900થી 1100માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 1800 ગૂણી જૂની અને 800 ગૂણી નવી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 900થી 1080માં થયા હતા.
વધુમાં આજે સ્થાનિકમાં હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1270માં, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1370માં, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350માં અને સરસવના રૂ. 1600ના મથાળે રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2150માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1345માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.