વેપાર

વૈશ્વિક સોનું બે સપ્તાહની ઊંચી સપાટીએથી પાછું ફરતા સ્થાનિકમાં રૂ. 24નો ઘસરકો, ચાંદી રૂ. 3642 ઉછળી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ફેડરલનાં રેટકટનો આશાવાદ પ્રબળ બનતાં તાજેતરમાં સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ પહોચ્યા બાદ આજે વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં તેજી આગળ ધપી હોવાના મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 24નો ઘસરકો આવ્યો હતો અને ચાંદીના ભાવ વધુ કિલોદીઠ રૂ. 3642ના ઉછાળા સાથે રૂ. 1.62 લાખની સપાટી પાર કરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો. તેમ જ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3642ના ઉછાળા સાથે રૂ. 1,62,667ના મથાળે રહ્યા હતા.

જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 24ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,25,552ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,26,057ના મથાળે બંધ રહ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 4156.89 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.2 ટકા ઘટીને 4154.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.1 ટકા વધીને આૈંસદીઠ 53.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત ઑક્ટોબરમાં સોનામાં ઝડપી તેજી આવ્યા બાદ હાલ હાલના તબક્કે ભાવ કોન્સોલિડેશનનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનું વિશ્લેષક કાર્સ્ટન મેન્કે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાજરમાં સોનાના ભાવ ગત 20મી ઑક્ટોબરનાં રોજ આૈંસદીઠ 4381.21 ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા અને અત્યાર સુધીમાં ઊંચી સપાટીએથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ ભાવે 4000 ડૉલરની સપાટી જાળવી રાખી છે.

જોકે, અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા, ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટનો આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જેવા મૂળભૂત પરિબળો સોનાની તેજીની તરફેણમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે રેટકટની તરફેણ કરે તેવા કેવિન હેઝેટ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના અનુગામી બનશે એવી જાહેરાત ઉપરાંત ગઈકાલે સાન ફ્રાન્સિસ્કો ફેડરલ રિઝર્વ બૅન્કના પ્રમુખ મેરી ડૅલૅએ વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરી હોવાથી સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર હાલ ટ્રેડરો આગામી ડિસેમ્બરમાં રેટકટની 85 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો…અમેરિકાનાં આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનું બે સપ્તાહની ટોચેથી પાછું ફર્યું

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button