ચાંદીમાં રૂ. 1745નું બાઉન્સબૅક, રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 20નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના આજના મોડી સાંજના વક્તવ્ય પર રોકાણકારોની નજર રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીમાં સાવચેતીનું વલણ જળવાઈ રહેતાં ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વિશ્વ બજારથી વિપરીત ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતા ભાવમાં કિલોદીઠ રૂ. 1745નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જ્યારે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આયાત પડતર વધવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 20નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર છેલ્લાં ત્રણ સત્રમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3739નો ઘટાડો આવ્યા બાદ આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન નીચા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગનો ટેકો મળતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1745ના બાઉન્સબૅક સાથે રૂ. 1,12,939ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં આજે ડૉલર સામે રૂપિયો નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતર વધવાને કારણે વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 20ના સાધારણ સુધારા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,570 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,946ના મથાળે રહ્યા હતા, પરંતુ સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પૂર્વે રોકાણકારોના નવી લેવાલીમાં સાવચેતીના અભિગમ અને ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી હાજર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3338.89 ડૉલર અને 3381.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 37.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી 21થી 23 ઑગસ્ટ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં શ્રમ બજારમાં સુધારો લાવવા માટે હળવી નાણાનીતિ અપનાવવા બાબતે કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર બજાર વર્તુળોની નજર સાથે આગામી થોડા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્વિક ભાવમાં કોન્સોલિડેશન રહે તેમ હોવાથી મોટી વધઘટ જોવા મળે તેવી શક્યતા ન હોવાનું ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવતા ઉમેર્યું હતું કે જો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો પણ સોનાના ભાવમાં ધીમો સુધારો આવશે અને ભાવ આૈંસદીઠ 3400 ડૉલર સુધી પહોંચશે અને જો વ્યાજદરમાં કપાત ન કરવામાં આવે તો ભાવ ઘટીને 3300 ડૉલર સુધી જઈ શકે છે.
નોંધનીય બાબત એ છે કે ગયા મહિને ફેડના અધિકારી મિશૅલ બૉમેન અને ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના કાપની હિમાયત કરી હતી, પરંતુ અન્ય સભ્યો તરફથી તેને ટેકો નહોતો મળ્યો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વે ગત ડિસેમ્બર મહિનાથી વ્યાજદર યથાવત્ રાખ્યા છે. જોકે, આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો…સેબીએ રોકાણકારોના હિતમાં લીધો મોટો નિર્ણય, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરનો ટ્રાન્ઝેક્શન ચાર્જ નાબૂદ