વેપાર

ખરીફ ચોખાનું ઉત્પાદન વિક્રમ સપાટીએ, પરંતુ કઠોળ અને તેલીબિયામાં ઘટાડો

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનામાં પૂરી થયેલી ખરીફ મોસમમાં દેશમાં ચોખાનું ઉત્પાદન આગલા વર્ષના 12.28 કરોડ ટનની સરખામણીમાં 1.4 ટકા વધીને 12.45 કરોડ ટનની સપાટીએ રહ્યું છે, પરંતુ તેની સામે કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાનું કૃષિ મંત્રાલયે આજે જણાવ્યું છે.

વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં કુલ ખાદ્યાન્નનું ઉત્પાદન ગત ખરીફ મોસમનાં 16.95 કરોડ ટન સામે વધીને 17.3 કરોડ ટન રહેવાનો પ્રથમ અંદાજ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2024-25ની ખરીફ મોસમમાં ચોખાનું ઉત્પાદન 12.28 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું કે મુખ્ય ખરીફ પાકમાં વિક્રમ વૃદ્ધિ જોવા મળી હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે ખરીફ પાકનું વાવેતર નૈર્ઋત્યના ચોમાસાના આગમન સાથે જૂનથી જુલાઈ દરમિયાન ખરીફ પાકનું વાવેતર થતું હોય છે અને તેની લણણી સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં થતી હોય છે.

આપણ વાચો: વર્ષ 2025-26ની મોસમ માટે સરકારે 11.9 કરોડ ટન ઘઉંના ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો

તેમ જ ચોખાની ગણના મુખ્ય ખરીફ પાક તરીકે થતી હોય છે. આ ઉપરાંત કઠોળ અને તેલીબિયાનો સમાવેશ થતો હોય છે. આ વર્ષે અતિરિક્ત વરસાદ થવાને કારણે અમુક વિસ્તારમાં પાક પર માઠી અસર પડી છે, પરંતુ ઘણાંખરાં વિસ્તારોમાં સારા વરસાદને કારણે પાકને લાભ પણ થયો હોવાનું કૃષિ પ્રધાને જણાવ્યું હતું.

વધુમાં મંત્રાલયે મકાઈના પાકનો અંદાજ ગત સાલના 4.48 કરોડ ટન સામે 2.83 કરોડ ટનનો અને અન્ય કડધાન્યના ઉત્પાદનનો અંદાજ 4.14 કરોડ ટનનો મૂક્યો છે. જોકે, કઠોળનું ઉત્પાદન ગત સાલના 77 લાખ ટન સામે સાધારણ ઘટીને 74 લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. જેમાં તુવેરનું ઉત્પાદન ઘટીને 35.9 લાખ ટન (36.2 લાખ ટન) અને અડદનું ઉત્પાદન ઘટીને 12 લાખ ટન (13.4 લાખ ટન) રહેવાની ધારણા મૂકી છે.

આપણ વાચો: ટૅરિફ હવે હથિયાર બન્યા, ભારત વૈશ્વિક દબાણ સામે નમશે નહીંઃ ચૌહાણ

આ સિવાય તેલીબિયાંનું ઉત્પાદન ગત મોસમના 2.802 કરોડ ટન સામે ઘટીને 2.756 કરોડ ટન રહેવાની ધારણા મૂકી છે. જેમાં સોયાબીનનું ઉત્પાદન ઘટીને 1.426 કરોડ ટન (1.526 કરોડ ટન) રહેવાનો અંદાજ મુકાયો છે. જોકે, મગફળીનું ઉત્પાદન વધીને 1.109 કરોડ ટન (1.049 કરોડ ટન) રહેવાનો તેમ જ શેરડીનું ઉત્પાદન વધીને 47.56 કરોડ ટન (45.46 કરોડ ટન) રહેવાની ધારણા મૂકવામાં આવી છે.

વધુમાં મંત્રાલયે કપાસનું ઉત્પાદન ગત સાલની પ્રત્યેક 170 કિલોગ્રામની એક એવી 2.972 કરોડ ગાંસડીનાં ઉત્પાદન સામે ઘટીને 2.921 કરોડ ગાંસડી ઉત્પાદનનો તેમ જ જ્યૂટ તથા મેસ્ટાનું ઉત્પાદન ગત સાલની પ્રત્યેક 180 કિલોગ્રામની એક એવી 84.8 લાખ ગાંસડી સામે ઘટીને 83.4 લાખ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાક વર્ષના અંત પૂર્વે મત્રાલય પાકની ઉપજનાં સુધારિત આંકડાઓને ધ્યાનમાં લેતા પાાકના ચાર આગોતરા અંદાજો જાહેર કરે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button