વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 17.139 કરોડ ટન કરતાં વધશેઃ કૃષિ કમિશનર

નવી દિલ્હીઃ વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ મોસમમાં વાવેતર વિસ્તારમાં વધારો અને વરસાદ પણ સાનુકૂળ રહેતાં ખાદ્યાન્નનું ઉત્પાદન લક્ષ્યાંકિત 17.139 કરોડ ટનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા કૃષિ કમિશનર પી કે સિંઘે વ્યક્ત કરી છે.
વર્તમાન ખરીફ મોસમમાં તેલીબિયાં અને કઠોળનો વાવેતર વિસ્તાર ઓછો રહ્યો હોવા છતાં પાકની સ્થિતિ સારી હોવાથી ઉત્પાદકતા વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરતાં તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે ખરીફ વાવેતર વિસ્તારની સરખામણીમાં પૂર અને ભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાનું પ્રમાણ ઓછું રહ્યું છે.
એકંદરે પાકની સ્થિતિ સારી છે અને એકંદર ખરીફ ઉત્પાદન આ વર્ષે મૂકવામાં આવેલા ખરીફ પાકનાં ઉત્પાદનનાં અંદાજ કરતાં વધુ રહેશે, એમ અત્રે બાયોલોજિકલ એગ્રી સોલ્યુશન્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા દ્વારા યોજાયેલ પરિસંવાદ પશ્ચાત્ પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી 29 જિલ્લામાં પાકને નુકસાન: કૃષિ પ્રધાન
વર્તમાન ખરીફ મોસમમાં ખાસ કરીને ડાંગર અને મકાઈનો વાવેતર વિસ્તાર વધુ રહેતાં કુલ વાવેતર વિસ્તાર સામાન્યપણે રહેતાં 10.95 કરોડ હેક્ટર સામે વધીને 11 કરોડ હેક્ટર રહ્યો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમુક વિસ્તારમાં પૂર અને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે, પરંતુ વાવેતર વિસ્તારની સરખામણીમાં ઓછું રહેવાની શક્યતા છે. જોકે, નુકાસનનો પાક્કો અંદાજ પૂરનાં પાણી ઓસરી ગયા પછી ધ્યાનમાં આવશે.
વધુમાં તેમણે તેલીબિયાં માટે જણાવ્યું હતું કે સોયાબીનનો વાવેતર વિસ્તાર ઓછો છે, પરંતુ પાકની સ્થિતિ સારી હોવાથી ઉત્પાદકતા વધુ રહેશે તેમ જ તે જ પ્રકારની સ્થિતિ કઠોળમાં પણ છે. આ સિવાય રવી વાવેતર અંગે તેમણે કહ્યું હતું કે રાજસ્થાનમાં વહેલાસર લણણી થતાં ત્યાં વાવેતરનો આરંભ વહેલો થશે અને અમુક વિસ્તારોમાં તો રવી વાવેતરની તૈયારી થઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે સરકાર આગામી 3થી 18 ઑક્ટોબર દરમિયાન `વિકસિત કૃષિ અભિયાન’નો આરંભ કરી રહી છે.આ અભિયાન માટે 2100 ટીમ તૈયાર કરવામાં આવી છે, જે ખેડૂતોને માર્ગદર્શન આપવાની સાથે જરૂરી ટેકો પણ પૂરો પાડશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.