નિરસ કામકાજે ખાદ્યતેલમાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 56 સેન્ટ વધી આવ્યાના પ્રોત્સાહક અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના અંત ઉપરાંત બૅન્કો પણ બંધ હોવાથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હતા અને હાજરમાં ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આબીડી પામોલિનના રૂ. 1260, સોયા રિફાઈન્ડના રૂ. 1255 અને સન રિફાન્ડના રૂ. 1425, જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1261 અને સોયા રિફાઈન્ડના રૂ. 1251 તથા ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના નવેમ્બર-ડિસેમ્બર ડિલિવરી શરતે રૂ. 1280 અને રેડી ડિલિવરીમાં રૂ. 1215 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો નહોતા. એકંદરે આજે બૅન્કો બંધ હોવાથી ડાયરેક્ટ ડિલિવરી શરતે રિફાઈનરોની ઓફરો પણ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર
ગુજરાતમાં ગોંડલ મથકે 16,000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1270માં થયા હતા, જ્યારે રાજકોટ મથકે 3000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 950થી 1100માં થયાના અહેવાલ હતા.
જોકે, આજે સ્થાનિકમાં હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1270, સોયા રિફાઈન્ડના રૂ. 1275, સન રિફાઈન્ડના રૂ. 1420, સિંગતેલના રૂ. 1370માં, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1350માં અને સરસવના રૂ. 1605ના મથાળે ટકેલા રહ્યા હતા. આ સિવાય આજે ગુજરાતનાં મથકો પર નિરસ માગે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2140માં અને લૂઝમાં 10 કિલોદીઠ 10 ઘટીને રૂ. 1335માં ટકેલા ધોરણે થયા હતા.