વેપાર

વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં ઉત્પાદન 18.6 ટકા વધુ રહેવાની શક્યતાઃ ઈસ્મા

નવી દિલ્હીઃ ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં દેશમાં ખાંડનું ઉત્પાદન આગલી મોસમના 2.61 કરોડ ટન સામે 18.58 ટકા વધીને 3.095 કરોડ ટન આસપાસ રહે તેવી શક્યતા ઔદ્યોગિક સંગઠન ઈન્ડિયન સુગર ઍન્ડ બાયોએનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)એ વ્યક્ત કરી છે.

વધુમાં ઈસ્માએ વર્તમાન ખાંડ મોસમનો આરંભ 50 લાખ ટન સાથે થયો હોવાનું જણાવવાની સાથે વર્તમાન મોસમમાં 34 લાખ ટન ખાંડ ઈથેનોલ માટે વિકેન્દ્રિત થવાનો અંદાજ મૂક્યો છે. આમ વર્તમાન મોસમનાં ઉત્પાદન તથા મોસમના ખૂલતા સ્ટોકને ધ્યાનમાં લેતા કુલ પુરવઠો દેશની 2.85 કરોડ ટનની વપરાશી માગ સામે 3.595 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે.

આપણ વાચો: ખાંડમાં ગુણવત્તાનુસાર મિશ્ર વલણ

આ વર્ષે દેશનાં ત્રણેય મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ઉત્પાદન વધીને અનુક્રમે 1.3 કરોડ ટન, 1.032 કરોડ ટન અને 63.5 લાખ ટન આસપાસ રહેવાની શક્યતાને ધ્યાનમાં લેતા કુલ ઉત્પાદન વધુ રહેવાની ધારણા મુકવામાં આવી હોવાનું ઈસ્માએ યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે એકંદરે વર્ષ દરમિયાન ખાંડનો સંતોષજનક પુરવઠો જોતા ઉદ્યોગ 20 લાખ ટન ખાંડની નિકાસ કરવા સક્ષમ હોવાથી અમે સરકારને વહેલી તકે નિકાસ નીતિ જાહેર કરવા અનુરોધ કર્યો છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 13.8 લાખ હેક્ટર સામે વધીને 14.7 લાખ હેક્ટર, કર્ણાટકનો વાવેતર વિસ્તાર ગત સાલના 6.40 લાખ હેક્ટર સામે વધીને 6.8 લાખ હેક્ટર અને ઉત્તર પ્રદેશનો વાવેતર વિસ્તાર ગત સાલના 223.30 લાખ હેક્ટર સામે ઘટીને 22.57 લાખ હેક્ટર રહ્યો છે. તેમ જ પાકની સ્થિતિ પણ સારી હોવાનું ઈસ્માએ યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button