રિઝર્વ બૅન્કના સંભવિત આક્રમક હસ્તક્ષેપ સાથે ડૉલર સામે રૂપિયામાં પંચાવન પૈસાનું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલી, વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સંભવિતપણે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો આક્રમક હસ્તક્ષેપ રહેતાં આજે ડૉલર સામે રૂપિયો પંચાવન પૈસાના બાઉન્સબૅક સાથે ઐતિહાસિક નીચી સપાટીએથી પાછો ફરીને 90.38ના મથાળે બંધ રહ્યો હતો.
વિશ્લેષકોના મતાનુસાર તાજેતરમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલું ધોવાણ બાહ્ય પરિબળોને આધીન છે, નહીં કે સ્થાનિક આર્થિક નબળાઈને કારણે. આર્થિક અને ભૂરાજકીય પરિબળોને કારણે ફોરેક્સ માર્કેટમાં ચંચળતા વધી હોવાનું તેઓ જણાવે છે.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો વધુ 16 પૈસા ધોવાઈને નવા તળિયે
આ સિવાય ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં પ્રગતિનો અભાવ અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી રૂપિયાને વધુ દબાણ હેઠળ રાખે છે. જોકે, વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટીને બેરલદીઠ 60 ડૉલર આસપાસ પ્રવર્તી રહ્યા હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળી રહ્યો છે.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 90.93ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 91.05ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 91.05 અને ઉપરમાં 89.96 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે પંચાવન પૈસા વધીને 90.38ની સપાટીએ બંધ રહ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયાએ સત્ર દરમિયાન 91.14ની ઐતિહાસિક નીચી સપાટી દાખવીને અંતે 90.93ની ઑલ ટાઈમ લૉ સપાટીએ બંધ રહ્યો હતો.
આપણ વાચો: ડૉલર સામે રૂપિયો વધુ 29 પૈસા ખાબકીને નવા તળિયે…
સતત પાંચ સત્રના ધોવાણ પશ્ચાત્ આજે શક્યતઃ રિઝર્વ બૅન્કે આક્રમક ધોરણે બજારમાં હસ્તક્ષેપ કરતાં બાઉન્સબૅક જોવા મળ્યું હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે વૈશ્વિક પરિબળોને આધારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ભારે ચંચળતા જોવા મળી રહી છે.
જોકે, ટેક્નિકલ દૃષ્ટિએ જોતા હાલ ડૉલર સામે રૂપિયામાં 90.60ની સપાટી મહત્ત્વની પ્રતિકારક અને 89.70ની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 2.09 ટકા વધીને બેરલદીઠ 60.16 ડૉલર આસપાસ અને ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.42 ટકા વધીને 98.56 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 120.21 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 41.55 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2381.92 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ હતા.



