સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ, વધુ 10 પૈસા ઘટ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ડૉલરમાં લેવાલી રહેતાં આજે સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ આગળ ધપતા વધુ સાત પૈસાના ઘટાડા સાથે 90.30ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હતો. ટ્રેડરોના જણાવ્યાનુસાર અમેરિકાએ વેનેઝુએલામાં લશ્કરી હસ્તક્ષેપ કર્યો હોવાના નિર્દેશો હોવા છતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં મોટું ધોવાણ અટક્યું હતું.
આપણ વાચો: ક્રૂડતેલના ભાવ વધી આવતા ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનો સુધારો ધોવાઈને અંતે એક પૈસો નરમ
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 90.20ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે 90.21ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 90.50 અને ઉપરમાં 90.20ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે 10 પૈસા ઘટીને 90.30ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત 30મી ડિસેમ્બરના રોજ રૂપિયો 89.75ની સપાટીએ બંધ રહ્યો હતો આમ ત્યાર બાદના ચાર સત્રમાં ડૉલર સામે રૂપિયામાં પંચાવન પૈસાનું ધોવાણ થઈ ગયું છે.
અમેરિકા-વેનેઝુએલા વચ્ચેના ભૂરાજકીય તણાવને કારણે તાજેતરમાં ડૉલરમાં વધેલી સલામતી માટેની માગને કારણે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે બે્રન્ટ ક્રૂડતેલના ભાવ આગલા બંધ સામે 0.36 ટકા ઘટીને બેરલદીઠ 60.53 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 289.80 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના એક્સચેન્જના અહેવાલોને ધ્યાનમાં લેતા રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
આપણ વાચો: રિઝર્વ બૅન્કના સંભવિત આક્રમક હસ્તક્ષેપ સાથે ડૉલર સામે રૂપિયામાં પંચાવન પૈસાનું બાઉન્સબૅક
આમ હાલના પરિબળોને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેશે તેમ છતાં રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડો રૂપિયાને અમુક અંશે ટેકો આપી શકે, એમ તેમણે ઉમેર્યું હતું.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 322.39 પૉઈન્ટનો અને 78.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



