દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં પેસારો કરતાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોઃ જીટીઆરઆઈ

નવી દિલ્હીઃ દક્ષિણપૂર્વ એશિયન બજારોમાં વધી રહેલી નાસ્તાની માગ અને સ્થાનિક સ્તરે ખાસ કરીને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આ ક્ષેત્રમાં માળખાકીય વિકાસ થવાથી તે દેશોની બજારમાં પ્રોસેસ્ડ થયેલા બટાટાના ભારતીય ઉત્પાદનોનો વ્યાપ વધી રહ્યો હોવાનું એક અહેવાલમાં જણાવ્યું છે.
દેશની થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ (જીટીઆરઆઈ)એ જણાવ્યું હતું કે ડિહાઈડ્રેટેડ બટાટાનાં દાણા અને ગોળીઓની નિકાસ જે વર્ષ 2021-22માં 1.14 કરોડ ડૉલરની હતી તે વર્ષ 2024-25માં વધીને 6.33 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી, જે દર્શાવે છે કે પ્રોસેસ્ડ ખાદ્ય ઉત્પાદનોની શ્રેણીમાં ભારતની નિકાસ ઝડપભેર વધી રહી છે.
આપણ વાંચો: ‘અમારું બજાર ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું છે’ અમેરિકાએ ટેરિફ લાદ્યા તો રશિયા ભારતની પડખે ઉભું રહ્યું
આ સિવાય બટાટાનાં અન્ય પ્રોસેસ્ડ ઉત્પાદનોની નિકાસમાં મજબૂત વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે તેમાં ફ્લોર સ્ટાર્ચ, ચીપ્સ અને રેડીમેડ ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ બધી ચીજોની નિકાસ જે વર્ષ 2021-22માં 62 લાખ ડૉલરની હતી તે ગત નાણાકીય વર્ષમાં વધીને 1.88 કરોડ ડૉલરના સ્તરે રહી હતી.
સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલી કુલ નિકાસમાં 80 ટકા નિકાસ મલયેશિયા, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, જાપાન અને થાઈલેન્ડ ખાતે થઈ છે છે જે દક્ષિણપૂર્વ એશિયાની નાસ્તા અને ખાદ્યની પુરવઠા ચેઈનમાં ભારતના એકિકરણને પ્રતિબિંબિત કરે છે, એમ જીટીઆરઆઈનાં સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવતા ઉમેર્યું હતું કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો જ્યાં વર્ષે 5.6 કરોડ ટન બટાટાનું ઉત્પાદન થાય છે ત્યાં નવા ડિહાઈડ્રેશન પ્લાન્ટ્સ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કોલ્ડ ચેઈન જેવાં માળખાકીય વિકાસ સાથે નિકાસની તેજીને આગળ ધપાવી રહ્યા છે.
હાલમાં યુરોપ ઊર્જા ખર્ચમાં વધારો તથા અનિયમિત પાકનો સામનો કરી રહ્યું છે અને ચીન સ્થાનિક માગને અગ્રતાક્રમ આપી રહ્યું છે ત્યારે એશિયન નાસ્તા બજાર અને ક્યુએસઆર (ક્વિક સર્વિસ રેસ્ટૉરેન્ટ) ઉદ્યોગમાં ભારત વિશ્વસનીય, ઓછી કિંમત ધરાવનાર અને વર્ષભર પુરવઠો પૂરો પાડી શકે તેવાં પુરવઠાકાર દેશ તરીકે ઊભરી રહ્યો છે.
આપણ વાંચો: અમેરિકા-ચાઈના ટ્રેડ વૉરથી ભારતીય નિકાસકારોને લાભ થવાની શક્યતાઃ નિષ્ણાતો
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ડિહાઈડ્રેટેડ બટાટાના દાણા અને ગોળીઓનો સૌથી મોટો ખરીદદાર દેશ મલયેશિયા રહ્યો હતો અને મલયેશિયા ખાતેની નિકાસ જે 51 લાખ ડૉલરની હતી તે વધીને 2.21 કરોડ ડૉલરના સ્તરે રહી હતી. મલયેશિયા બાદ સૌથી વધુ નિકાસમાં ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત જાપાન અને થાઈલેન્ડની ખરીદમાં વધારો થયો હોવાનું શ્રીવાસ્તવે જણાવતા ઉમેર્યું હતું કે કુલ નિકાસમાં આ પાંચ દેશનો હિસ્સો 80 ટકા જેટલો રહ્યો છે.
ભારત-આસિયન વચ્ચેનાં પ્રેફરન્સિયલ ટૅરિફ હેઠળના વેપાર કરાર હેઠળ મુંદરા, કંડલા અને ચેન્નાઈ જેવાં ટૂંકા દરિયાઈ માર્ગ મારફતે નિકાસ થવાથી ભાવની સ્પર્ધાત્મકતામાં પણ વધારો થયો છે. તેમ જ પુરવઠની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાત અને ઉત્તર પ્રદેશ રાજ્ય પ્રોસેસિંગ પાવરહાઉસ તરીકે ઊભર્યા છે.
ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં આધુનિક ડિહાઈડ્રેશન એકમો થઈ રહ્યા છે. સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કોલ્ડ સ્ટોરેજનું નેટવર્ક વિકરી રહ્યું છે. આ સિવાય આગ્રા અને ફારૂખાબાદ ખાતે નવી સુવિધાઓ તૈયાર થઈ રહી છે.