ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીનમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 14નો સુધારો આવ્યો હતો. તેમ જ ટીનની આગેવાની હેઠળ કોપરની અમુક વેરાઈટીઓ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. એકથી ત્રણ વધી આવ્યા હતા, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ખાસ કરીને ટીનમાં સ્ટોકિસ્ટની આક્રમક લેવાલી નીકળવાની સાથે વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 14 વધીને રૂ. 3118ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો: જીએસટીના તાર્કિકરણથી સરકાર પર રાજકોષીય ભારણ વધવાની શક્યતા ઓછીઃ ક્રિસિલ
વધુમાં આજે ટીનની આગેવાની હેઠળ અન્ય ધાતુઓમાં પણ ઔદ્યોગિક વપરાશકારો તથા સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. 870, કોપર આર્મિચર, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. 852, રૂ. 955, રૂ.282 અને રૂ. 184 તથા કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને રૂ. 785ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે કોપર કેબલ સ્ક્રેપ, બ્રાસ શીટ કટિંગ્સ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં ખપપૂરતી છૂટીછવાઈ માગ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 880, રૂ. 627, રૂ. 580, રૂ. 218, રૂ. 249 અને રૂ. 1357ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.