ઇજનેરી નિકાસને આઠ અબજ ડોલરનો ફટકો પડશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતની યુએસમાં એન્જિનિયરિંગ નિકાસમાં ૭.૫ થી ૮ બિલિયન ડોલરનો ઘટાડો થવાનો અંદાજ છે કારણ કે આ ક્ષેત્રની સમગ્ર પ્રોડક્ટ બાસ્કેટ હવે ૫ચાસ ટકા ટેરિફનો સામનો કરી રહી છે, જેના કારણે સરકારી સહાયની તાત્કાલિક જરૂર છે.
ટેરિફના કારણે આ ક્ષેત્રે વ્યવસાય ૫ચાસ ટકા ઘટી ગયો છે. બીજીતરફ સંપૂર્ણ ટેરિફ અસર અમલમાં આવે તે પહેલાં નિકાસને ફ્રન્ટલોડિંગ કર્યા પછી, નવા ઓર્ડર આવી રહ્યા ના હોવાની માહિતી એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે આપી હતી.
૨૦૨૪-૨૫માં, અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસ વીસ બિલિયન ડોલર હતી. આમાંથી, ૫ાંચ બિલિયન ડોલરની સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત ઉત્પાદનોનો સમાવેશ થાય છે, ૨.૬ બિલિયન ડોલર ઓટો સેક્ટરની નિકાસમાંથી આવ્યા હતા, જ્યારે બાકીના ૧૨.૫ બિલિયન ડોલરમાં અન્ય એન્જિનિયરિંગ માલનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્ર ભારતનો વેપારી નિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો આપનાર છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનોની નિકાસમાં લગભગ વીસ ટકા ઘટાડો થવાની ધારણા છે, જ્યારે ઓટો ક્ષેત્રની નિકાસમાં ૦.૫ બિલિયન ડોલરનો ઘટાડો થવાની સંભાવના છે.
આ ઘટાડો પ્રમાણમાં સાધારણ છે કારણ કે વૈશ્ર્વિક સ્પર્ધકો સમાન ટેરિફ સ્તરનો સામનો કરે છે. જુલાઈ ટેરિફ સમયમર્યાદા પહેલા જ્યારે બેઝલાઇન ટેરિફ હજુ પણ દસ ટકા પર હતી, ત્યારે નિકાસકારોએ શક્ય તેટલી વધુ શિપમેન્ટ અમેરિકા રવાના કરી દીધી હતી. પરિણામે, ભારતની એકંદર એન્જિનિયરિંગ નિકાસ એપ્રિલ-જુલાઈમાં વાર્ષિક ધોરણે ૬.૦૮ ટકા વધીને ૩૯.૩૪ બિલિયન ડોલર થઈ હતી.
આ જ સમયગાળા દરમિયાન અમેરિકામાં નિકાસ ૧૨.૬૦ ટકા વધીને ૬.૯૫ અબજ ડોલર થઈ હતી, જેમાં ફક્ત જુલાઈમાં ૧૯.૨૦ ટકા વધીને ૧.૮૧ અબજ ડોલર થઈ હતી. ટેરિફના ભય વચ્ચે, ઔદ્યોગિક મશીનરી અમેરિકામાં સૌથી મોટી નિકાસ હતી, જે એપ્રિલ-જુલાઈમાં ૧૭ ટકા વધીને ૧.૫૭ અબજ ડોલર થઈ હતી.