વેપાર

નવેમ્બરમાં પામોલિનના શિપમેન્ટ ઘટતાં કુલ વનસ્પતિ તેલની આયાત 28 ટકા ઘટી…

નવી દિલ્હીઃ ગત પહેલી નવેમ્બરથી શરૂ થયેલી વર્તમાન તેલ મોસમ 2025-26નાં પહેલા મહિનામાં ખાસ કરીને રિફાઈન્ડ બ્લીચ્ડ અને ડિઓડરાઈઝ્ડ (આરબીડી) પામોલિનની આયાતમાં નોંધપાત્ર ઘટાડો થતાં કુલ વનસ્પતિ તેલ (ખાદ્ય અને અખાદ્યતેલ)ની આયાત નવેમ્બર, 2024ના 16.50 લાખ ટન સામે 28 ટકા ઘટીને 11.83 લાખ ટનની સપાટીએ રહી હોવાનું સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત નવેમ્બર મહિનામાં કુલ પામતેલની આયાત નવેમ્બર, 2024નાં 8.42 લાખ ટન સામે 25 ટકાના ઘટાડા સાથે 6.32 લાખ ટનની સપાટીએ રહી હતી, જેમાં આરબીડી પામોલિનની આયાત નવેમ્બર, 2024ના 2.85 લાખ ટન સામે ઘટીને માત્ર 3500 ટનની સપાટીએ રહી હતી, જ્યારે ક્રૂડ સનફ્લાવર તેલની આયાત નવેમ્બર, 2024ના 3.40 લાખ ટન સામે ઘટીને 1.42 લાખ ટનના સ્તરે રહી હતી. વધુમાં ક્રૂડ સોયાબીન તેલની આયાત ઘટીને 3.70 લાખ ટન (4.07 લાખ ટન અને ક્રૂડ પામ કર્નેલ તેલની આયાત ઘટીને 1850 ટન (10,147 ટન)ની સપાટીએ રહી હતી.

જોકે, ગત નવેમ્બર મહિનામાં ક્રૂડ પામતેલની આયાત વધીને 6.26 લાખ ટન (5.47 લાખ ટન) અને કનોલા તેલની આયાત વધીને 5000 ટન (બાવીસ ટન)ની સપાટીએ રહી હતી. આ સિવાય અખાદ્યતેલની આયાત નવેમ્બર, 2024ના 37,341 ટન સામે ઘટીને 32,877 ટનની સપાટીએ રહી હોવાનું એસોસિયેશને આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

નોંધનીય બાબત એ છે કે દેશમાં આરબીડી પામોલિન અને ક્રૂડ પામતેલના મુખ્ય પુરવઠાકાર દેશ ઈન્ડોનેશિયા અને મલયેશિયા રહ્યા હતા, જેમાં ગત નવેમ્બર મહિનામાં મલયેશિયાથી આયાત 3,01,273 ટનના સ્તરે રહી હતી, જ્યારે ઈન્ડોનેશિયાથી ક્રૂડ પામતેલની આયાત 1,23,456 ટન અને 3500 ટન આરબીડી પામોલિનની આયાત રહી હતી. આ સિવાય ગત નવેમ્બર મહિનામાં ભારતમાં ક્રૂડ સોયાબીન ડિગમની આર્જેન્ટિનાથી આયાત 2,35,680 ટનની, બ્રાઝિલથી 50,062 ટનની અને ચીનથી 69,919 ટનની આયાત થઈ હતી, જ્યારે ક્રૂડ સનફ્લાવર તેલની રશિયાથી આયાત 74,020 ટનની, આર્જેન્ટિનાથી 34,933 ટનની અને યુક્રેનથી 20,000 ટનની આયાત થઈ હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

એસોસિયેશને યાદીમાં વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન રવી મોસમમાં ગત પાંચમી ડિસેમ્બર સુધીમાં તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 81.75 લાખ હેક્ટરની સામે 2.4 ટકા વધીને 84.14 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં સરસવ અને રાયડાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 76.43 લાખ હેક્ટર સામે 3.45 ટકા વધીને 79.88 લાખ હેક્ટર રહ્યો છે. તેમ જ ગત પહેલી ડિસેમ્બરના રોજ દેશમાં ખાદ્યતેલનો સ્ટોક આગલી પહેલી ઑક્ટોબરનાં 17.31 લાખ ટન સામે 16.23 લાખ ટન રહ્યો હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button