ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડોઃ જીટીઆરઆઈ | મુંબઈ સમાચાર
વેપાર

ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડોઃ જીટીઆરઆઈ

નવી દિલ્હીઃ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારતથી થતી આયાત સામે લાદેલા ઊંચા ટૅરિફને કારણે અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થઈ રહ્યો છે અને અમેરિકાની બજારમાં સ્થાનિક ઉત્પાદનો સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા હોવાનું થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ)એ એક અહેવાલમાં જણાવ્યું છે.

ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકાની ડ્યૂટી બમણી 50 ટકા થઈ જતાં અમેરિકા ખાતેના શિપમેન્ટ આગલા જુલાઈ મહિનાની સરખામણીમાં 16.3 ટકાના ઘટાડા સાથે 6.7 અબજ ડૉલરની સપાટીએ રહ્યા હતા, જે વર્ષ 2025નો માસિક ધોરણે સૌથી મોટો અથવા તો તીવ્ર ઘટાડો દર્શાવે છે. આ પૂર્વે જુલાઈ મહિનામાં આગલા જૂન મહિનાની સરખામણીમાં 3.6 ટકા ઘટીને આઠ અબજ ડૉલરની સપાટીએ અને જૂન મહિનાની નિકાસ આગલા મે મહિનાની તુલનામાં 5.7 ટકા ઘટીને 8.3 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ગત મે મહિનામાં નિકાસ આગલા એપ્રિલ મહિનાના 8.4 અબજ ડૉલર સામે 4.8 ટકા વધીને 8.8 અબજ ડૉલરના સ્તરે રહી હતી. આમ તાજેતરમાં નિકાસમાં થઈ રહેલો ઘટાડો ટૅરિફની અસર દાખવી રહ્યો હોવાનું જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગત નાણાકીય વર્ષમાં યુએઈથી સોના-ચાંદીની આયાતમાં 210 ટકાનો ઉછાળો: મુક્ત વેપાર કરારમાં ડ્યૂટીની સમીક્ષા જરૂરી: જીટીઆરઆઈ

ગત ચોથી એપ્રિલ સુધી અમેરિકા ખાતે ભારતીય ઉત્પાદનો પસંદગીના દેશોના દરજ્જા હેઠળ સાધારણ ટૅરિફનાં ધોરણે જતા હતા, પરંતુ પાંચમી એપ્રિલે વૉશિંગ્ટન દ્વારા 10 ટકા સર્વસમાન ટૅરિફ લાદવામાં આવી હતી, પરંતુ વેપારો અટક્યા નહોતા. આયાતકારોએ ખરીદી વધારતા મે મહિનાની નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે તેમ છતાં જૂન મહિનામાં 10 ટકા ડ્યૂટી જાળવી રાખવાની સાથે ડ્યૂટી અંગે દેશ આધારિત પગલાં લેવાની શરૂઆત થતાં ભારતીય ઉત્પાદનોએ સ્પર્ધાત્મકતા ગુમાવી હતી અને આયાતકારોના ઓર્ડરો વૈકલ્પિક પુરવઠાકારો તરફ ફંટાઈ જતાં નિકાસમાં અંદાજે છ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને જુલાઈમાં પણ ઘટાડો થયો હતો.

જોકે, ગત સાતમી ઑગસ્ટથી 25 ટકા ટૅરિફ અમલી થવાની સાથે 27મી ઑગસ્ટથી ટૅરિફ બમણી 50 ટકા થતાં નિકાસમાં 16.3 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હોવાનું તેમણે જણાવતા ઉમેર્યું હતું કે હવે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનામાં 50 ટકા ડ્યૂટી અમલી હોવાથી નિકાસમાં વધુ તીવ્ર માત્રામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : ટ્રમ્પના ટેરિફને લીધે હીરો વધુ ઝાંખો પડ્યોઃ નિકાસમાં પ્રતિ કેરેટે રૂ.2 લાખ સુધીનો વધારો

દેશમાંથી થતી કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો જેટલો હોય છે અને જો વર્તમાન નાણાકીય વર્ષ 2026ના અંત સુધી જો 50 ટકા ટૅરિફ જળવાઈ રહે તો ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 30થી 35 અબજ ડૉલરનો ઘટાડો થાય તેવું જીટીઆરઆઈનું માનવું છે. આથી જીટીઆરઆઈએ સરકારને નિકાસકારો માટે ટેકાલક્ષી પગલાંની જાહેરાત કરવાની ભલામણ કરી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button