એપ્રિલથી નવેમ્બર દરમિયાન દેશની યુરિયાની આયાત બમણી થઈને 71.7 લાખ ટન…

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન ખાસ કરીને દેશમાં યુરિયાના ઉત્પાદનમાં ઘટાડો અને ખેડૂતોની માગ સંતોષવા માટે આયાત નિર્ભરતા વધતાં આ સમયગાળામાં યુરિયાની આયાત ગત સાલના સમાનગાળાના 32.6 લાખ ટન સામે 120.3 ટકાના ઉછાળા સાથે 71.7 લાખ ટનની સપાટીએ રહી હોવાનું ફર્ટિલાઈઝર એસોસિયેશન ઑફ ઈન્ડિયાએ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં દેશમાં યુરિયાનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાના 2.540 કરોડ ટન સામે 3.7 ટકા ઘટીને 1.975 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. જોકે, યુરિયા અને ડાય ઍમૉનિયમ ફોસ્ફેટ (ડીએપી)ની આયાત નિર્ભરતાની સાથે વ્યૂહાત્મક સપ્લાઈ ચેઈન મેનેજમેન્ટને મહત્ત્વ આપ્યું હોવાથી અમે આ સમયગાળામાં વેચાણ વૃદ્ધિ જાળવી શક્યા છીએ, એમ એસોસિયેશનનાં અધ્યક્ષ શંકરાસુબ્રમણ્યિને યાદીમાં જણાવ્યું હતું.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત નવેમ્બર મહિનામાં જ યુરિયાની આયાત નવેમ્બર, 2024ના 7.8 લાખ ટન સામે 68.4 ટકા વધીને 13.10 લાખ ટનની સપાટીએ રહી હતી અને વેચાણ નવેમ્બર, 2024ની સરખામણીમાં 4.8 ટકા વધીને 37.5 લાખ ટનના સ્તરે રહ્યું હતું. વધુમાં જમીનના અન્ય મુખ્ય પોષકત્વ ડીએપીની આયાત નિર્ભરતામાં વધારો થયો છે તેનો કુલ આયાત પૈકીનો હિસ્સો જે ગત સાલ 56 ટકા હતો તે વધીને 67 ટકાના સ્તરે રહ્યો છે.
જોકે, આયાતમાં થયેલા વધારાની સામે તેનું ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાનનું વેચાણ 71.2 લાખ ટનની સપાટીએ સ્થિર રહ્યું હતું, જ્યારે સ્થાનિકમાં તેનું ઉત્પાદન 5.2 ટકાના ઘટાડા સાથે 26.8 લાખ ટનની સપાટીએ રહ્યું હોવાનું યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આયાતમાં થયેલો વધારો ખેડૂતોને જમીન માટેનાં જરૂરી પોષકત્વનો વિક્ષેપ રહિત પુરવઠો ઉપલબ્ધ થાય તેની બાંયધરી દર્શાવે છે.
વધુમાં એસોસિયેશનનાં જણાવ્યાનુસાર ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન કોમ્પ્લેક્સ એનપીકે (નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ) ફર્ટિલાઈઝરનું ઉત્પાદન ગત સાલના સમાનગાળાની તુલનામાં 13.8 ટકા વધીને 81.5 લાખ ટનના સ્તરે રહ્યું હતું અને આયાત બમણી થઈને 27.2 લાખ ટનની સપાટીએ રહી હતી, જ્યારે વેચાણ ગત સાલની સમકક્ષ 1.038 કરોડ ટનની સપાટીએ રહ્યું હતું. તેમજ મ્યુરિએટ ઑફ પોટાશનું વેચાણ 8.6 ટકા વધીને 15.5 લાખ ટનના સ્તરે રહ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે સ્થાનિકમાં સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી)નું વેચાણ 15 ટકા વધીને 41.6 લાખ ટન અને ઉત્પાદન 9.5 ટકા વધીને 39.7 લાખ ટનના સ્તરે રહ્યું હતું. આમ એસએસપીનાં વેચાણમાં થયેલી વૃદ્ધિ ખેડૂતોનો સ્વદેશી ફર્ટિલાઈઝરમાં વિશ્વાસ પર ભાર મૂકે છે અને સ્પર્ધાત્મક ભાવ તથા ગુણવત્તા પર સ્થાનિક સ્તરે ખેડૂતોને ફોસ્ફેટિક પોષકત્વો પહોંચાડવાની ફર્ટિલાઈઝર ક્ષેત્રની ક્ષમતા દર્શાવે છે, એમ એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે યુરિયાને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડાઈઝ કરવામાં આવ્યું છે અને તેના લીમડાના કોટિંગ ખર્ચ સિવાયનાં ભાવ પહેલી નવેમ્બર, 2012થી પ્રતિ 45 કિલોની ગુણીદીઠ રૂ. 242 યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમ જ નવી યુરિયા પૉલિસી હેઠળ યુરિયાનો નિયંત્રિત ચીજોની યાદીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને અન્ય ફોસ્ફેટિક ફર્ટિલાઈઝરની સરખામણીમાં વધુ સબસિડી આપવામાં આવે છે.



