વર્તમાન નાણાકીય વર્ષમાં ટ્રેક્ટરનું હોલસેલ વેચાણ 15થી 17 ટકા વધે તેવી શક્યતાઃ ઈક્રા

મુંબઈઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને જીએસટીના દરમાં ઘટાડો અને અન્ય ટેકાલક્ષી પરિબળોને ધ્યાનમાં લેતાં ખેડૂતોની પોસાણક્ષમતામાં વધારો થવાથી અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ ટ્રેક્ટરનાં હોલસેલ ધોરણે વેચાણ વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ આઠથી 10 ટકાનો મૂક્યો હતો તે વધારીને હવે 15થી 17 ટકાનો મૂક્યો હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.
યાદીમાં જણાવ્યાનુસાર વેચાણ વૃદ્ધિના અંદાજમાં કરવામાં આવેલો આ ફેરફાર મુખ્યત્વે તાજેતરના મહિનાઓમાં કંપનીઓની આકર્ષક કામગીરીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને ગત નવેમ્બર મહિનામાં કંપનીઓના હોલસેલ વેચાણમાં નવેમ્બર, 2024ની સરખામણીમાં 30.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે ગત એપ્રિલથી નવેમ્બર સુધીનાં વેચાણમાં 19.2 ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો છે.
રેટિંગ એજન્સીએ ખાસ કરીને ટેકાલક્ષી આર્થિક અને નિયમનકારી પરિબળોને ધ્યાનમાં લઈને મજબૂત માગને ધ્યાનમાં લેતા વેચાણના આઉટલૂકમાં સુધારો રહેવાની ધારણા મૂકી છે. વધુમાં એજન્સી દ્વારા સુધારેલી આગાહી ટ્રેક્ટર ક્ષેત્ર માટે મજબૂત રિકવરી અને વિસ્તરણના સમયગાળાને પ્રદર્શિત કરે છે, જે નક્કર નીતિને સમર્થન અને અનુકૂળ કૃષિ પરિણામો તથા નિયમનકારી ફેરફારો બજારને ગતિશિલતા પૂરી પાડી રહી છે.
સરકારે ટ્રેક્ટર પરનાં જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કર્યો હોવાથી ટ્રેક્ટરોના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની પોસાણક્ષમતામાં વધારો થયો હોવાનું એજન્સીએ જણાવતાં ઉમેર્યું હતું કે આ ઘટાડાથી વિવિધ હોર્સપાવર સેગ્મેન્ટમાં રૂ. 40,000થી રૂ. એક સુધીની બચત થતાં નવા ટ્રેક્ટર વધુ સુલભ બન્યા છે. વધુમાં આ વર્ષે પર્યાપ્ત વરસાદ થવાથી વાવેતર તથા ઊપજમાં વધારો થવાથી ખેડૂતોની રોકડ પ્રવાહિતામાં વધારો થવાથી ગ્રામીણ માગને વધુ ટેકો મળવાની શક્યતા વધુ પ્રબળ બની છે.
વધુમાં આગામી ત્રિમાસિકગાળામાં પહેલી એપ્રિલથી ટ્રેક્ટર માટેનાં કાર્બન ઉત્સર્જનના કડક ધોરણો અમલી બને તેમ હોવાથી નવી ખરીદીનાં પ્રમાણમાં વધારો થવાની શક્યતા એજન્સીએ વ્યક્ત કરી છે.



