નવેમ્બરમાં ભારતની ટેક્સ્ટાઈલ નિકાસ 9.4 ટકા વધી

નવી દિલ્હીઃ ગત નવેમ્બર મહિનામા દેશની ટેક્સ્ટાઈલ નિકાસ નવેમ્બર, 2024ના 260.15 કરોડ ડૉલર સામે 9.4 ટકા વધીને 285.58 કરોડ ડૉલરની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સરકારે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે ભારતના ટેક્સ્ટાઈલ અને એપરલ ઉદ્યોગની અગ્રણી બજાર ગણાતા દેશ અમેરિકાએ ભારતથી થતી આયાત સામે 50 ટકા તીવ્ર ટૅરિફ લાદી છે. વર્ષ 2024-25માં ભારતીય ટેક્સ્ટાઈલ અને એપરલ ક્ષેત્રનું કદ 179 અબજ ડૉલરનું હતું જેમાં સ્થાનિક બજારનો હિસ્સો 142 અબજ ડૉલરનો અને નિકાસનો હિસ્સો 37 અબજ ડૉલરનો રહ્યો હતો.
આપણ વાચો: ઑક્ટોબરમાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.9 ટકાનો ઘટાડોઃ રાહતલક્ષી પગલાંનો ઉદ્યોગનો અનુરોધ
ગત નવેમ્બરમાં થયેલી કુલ નિકાસમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં 11.3 ટકાની, મેનમેડ યાર્ન/ફેબ્રિક્સ/મેડઅપ્સ વગેરેની નિકાસમાં 15.7 ટકાની, કોટન યાર્ન/ફેબ્રિક્સ/મેડઅપ્સ અને હેન્ડલૂમ ઉત્પાદનોની નિકાસમાં 4.1 ટકાની અને હેન્ડિક્રાફ્ટસ (હસ્ત બનાવટની કાર્પેટ સિવાય)ની નિકાસમાં 29.7 ટકાનો વૃદ્ધિદર જોવા મળ્યો હતો.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત જાન્યુઆરીથી નવેમ્બર દરમિયાન હેન્ડિક્રાફ્ટ્સ સિવાય ટેક્સ્ટાઈલ અને એપરલની નિકાસ ગત સાલના સમાનગાળાના 3247.49 કરોડ ડૉલર સામે સાધારણ 0.26 ટકા વધીને 3256 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે આ સમયગાળામાં રેડીમેડ ગાર્મેન્ટ્સની નિકાસમાં વર્ષાનુવર્ષ ધોરણે 3.6 ટકાના દરે વધી હતી, જ્યારે આ સમયગાળામાં શણના ઉત્પાદનોની નિકાસમાં 6.1 ટકાની વૃદ્ધિ જોવા મળી હોવાનું ટેક્સ્ટાઈલ મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.



