વર્ષ 2025ના પહેલા છ મહિનામાં ચાની નિકાસમાં સાધારણ વૃદ્ધિ

કોલકાતાઃ વર્તમાન કૅલૅન્ડર વર્ષ 2025ના પહેલા છ મહિનામાં અર્થાત્ ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં ચાની નિકાસ ગત સાલના સમાનગાળાના 12.457 કરોડ કિલોગ્રામ સામે સાધારણ વધીને 12.501 કરોડ કિલોગ્રામની સપાટીએ રહી હોવાનું ટી બોર્ડે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં ઉત્તર ભારતની ચાની નિકાસ વર્ષ 2024ના સમાનગાળાના 7.177 કરોડ કિલોગ્રામ સામે વધીને 4.559 કરોડ કિલોગ્રામના સ્તરે રહી છે, જ્યારે દક્ષિણ ભારતની નિકાસ ગત સાલના સમાનગાળાના 5.280 કરોડ કિલોગ્રામ સામે ઘટીને 4.559 કરોડ કિલોગ્રામની સપાટીએ રહી હોવાનું બોર્ડે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : નવા વર્ષમાં મોંઘવારીનો મારઃ ‘ચા’ પીવાનું મોંઘું થઈ શકે
વધુમાં બોર્ડની આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2025નાં પહેલા છમાસિકગાળામાં મૂલ્યની દૃષ્ટિએ ચાની નિકાસ વર્ષ 2024ના સમાનગાળાના રૂ. 3129.31 કરોડ સામે વધીને રૂ. 3639.45 કરોડની સપાટીએ રહી છે. તેમ જ સરેરાશ નિકાસ મૂલ્ય પણ જે ગત સાલના સમાનગાળામાં કિલોદીઠ રૂ. 251.21 હતું તે વધીને રૂ. 291.12ની સપાટીએ રહ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે આગલા સમગ્ર નાણાકીય વર્ષ 2024માં દેશની ચાની નિકાસ આગલા વર્ષ 2023નાં 23.169 કરોડ ટન સામે વધીને 25.617 કરોડ ટનની સપાટીએ રહી હતી.