સોયાબીનના ઉત્પાદનમાં 20.5 લાખ ટનનો ઘટાડો થવાની શક્યતાઃ ઉદ્યોગ

ઈન્દોરઃ ખેડૂતોમાં પીળા સોના તરીકે ઓળખાતા સોયાબીનનો પાક અથવા તો ઉત્પાદન 20.5 લાખ ટન ઘટીને 105.36 લાખ ટનની સપાટીએ રહે તેવી શક્યતા ઔદ્યોગિક સંગઠને વ્યક્ત કરી છે.
એકંદરે પ્રતિકૂળ હવામાન, વાવેતર વિસ્તારમાં તથા ઉત્પાદકતામાં ઘટાડો થવાને કારણે સોયાબીનના પાકના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું ઔદ્યોગિક સંગઠન સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયા (સોપા)એ એક અહેવાલમાં જણાવ્યું છે. ઈન્દોર ખાતે ગત ગુરુવારે યોજાયેલી ઈન્ટરનેશનલ સોયા કોન્ક્લેવ 2025 દરમિયાન ઉદ્યોગના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વાર્ષિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં જણાવ્યાનુસાર વર્તમાન ખરીફ મોસમમાં સોયાબીનનું વાવેતર 114.56 લાખ હેક્ટરમાં થયું છે અને હેક્ટરદીઠ સરેરાશ 920 કિલોની ઉત્પાદકતા સાથે ઉત્પાદન 105.36 લાખ ટન થવાનો અંદાજ છે. નોંધનીય બાબત એ છે કે વર્ષ 2024ની ખરીફ મોસમમાં સોયાબીનનું વાવેતર 118.32 લાખ હેક્ટરમાં થયું હતું કે અને હેક્ટરદીઠ 1063 કિલોગ્રામની ઉત્પાદકતા સાથે ઉત્પાદન 125.82 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. આ વર્ષે ખાસ કરીને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે પાકને વધુ નુકસાન થવાથી ઉત્પાદન ઘટીને અડધા જેવું થવાની શક્યતા સોપાના ચેરમેન દેવીશ જૈને વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: સોયાબીનના ભાવ ટેકાના કરતાં નીચી સપાટીએ છતાં ઑગસ્ટમાં સોયાતેલની આયાત મોસમની ટોચ પર
વધુમાં સોપાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડી એન પાઠકે જણાવ્યું હતું કે ઘણાં વિસ્તારોમાં યલો મોસાઈક વાઈરસને કારણે પણ સોયાબીનના પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત સોયાબીનના મુખ્ય ઉત્પાદક રાજ્ય મધ્ય પ્રદેશનાં ઘણાં ઉત્પાદક જિલ્લાઓમાં ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે. આથી રાજ્ય સરકારે સોયાબીન માટે પ્રાઈસ ડિફરન્સ પેમેન્ટ સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ જો કોઈ ટ્રેડર મંડીમાંથી ખેડૂતો પાસેથી સરકારે જાહેર કરેલા લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચા ભાવથી ખરીદી કરે તો સરકાર ખેડૂતોને ભાવતફાવતની ચુકવણી કરે.
સોપાના મતાનુસાર ભારત તેની કુલ ખાદ્યતેલની જરૂરિયાત પૈકી 60 ટકા ખાદ્યતેલની આયાત કરે છે અને તેને કારણે વર્ષે અંદાજે રૂ. 1.07 લાખ કરોડનાં વિદેશી હુંડિયામણનો ખર્ચ થાય છે. વાસ્તવમાં ખાદ્યતેલમાં આત્મનિર્ભરતા કેળવવા માટે સુધારિત બિયારણ સાથે સોયાબીનનાં ઉત્પાદનમાં વધારો કરવાની જરૂર હોવાનું સોપાએ ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે કેન્દ્ર સરકારે વર્તમાન વર્ષ 2025-26ની ખરીફ માર્કેટિંગ મોસમ માટે સોયાબીનનાં લઘુતમ ટેકાના ભાવ ક્વિન્ટલદીઠ રૂ. 5328 નિર્ધારિત કર્યા છે જે આગલી માર્કેટિંગ મોસમના ક્વિન્ટલદીઠ રૂ. 4892ની સરખામણીમાં રૂ. 436 વધુ છે.