વેપાર

આવતીકાલે ભારત ઓમાન વચ્ચેનાં મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા થશે…

નવી દિલ્હીઃ ભારત અને ઓમાન વચ્ચેનાં આર્થિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા માટે ગુરુવારે મસ્કત ખાતે બન્ને દેશો વચ્ચેના મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા થશે, એમ એક અધિકારીએ જણાવ્યું છે.આ મુક્ત વેપાર કરાર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સહીસિક્કા કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે હાલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે છે.

તેઓ મંગળવારે જોર્ડનથી ઈથોપિયા પહોંચ્યા હતા અને એડીસ અબાબાથી ઓમાન જવા માટે રવાના થશે. જોકે, વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલ કરાર પર હસ્તાક્ષર કરવા માટે મસ્કત પહોંચ્યા છે અને વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ પણ મસ્કત પહોંચશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય બાબત એ છે કે મુક્ત વેપાર કરારને અધિકૃતપણે સીઈપીએ (કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટર્નરશિપ એગ્રિમેન્ટ) તરીકે ઓળખવામાં આવે છે. આ કરાર માટેની વાટાઘાટોનો આરંભ નવેમ્બર, 2023થી થયો હતો અને આ વર્ષે વાટાઘાટોનો અંત આવ્યો છે.

મુક્ત વેપાર કરાર હેઠળ બે ભાગીદારો વેપાર થતાં હોય તેવા શક્ય એટલા વધુ માલ સામાનો પરની ડ્યૂટીમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અથવા તો ડ્યૂટી દૂર કરવામાં આવે છે. આ સિવાય વેપાર અને સેવાઓના પ્રોત્સાહન અને રોકાણ માટેનાં ધોરણે પણ બન્ને પક્ષે હળવા કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભારત માટે ઓમાન એ ગલ્ફ કોઑપરેશન કાઉન્સિલ (જીસીસી) દેશો પૈકી ત્રીજા ક્રમાંકનું સૈથી મોટું નિકાસ મથક છે. ભારત જીસીસીના સભ્યો સાથે આજ પ્રકારના કરાર ધરાવે છે. અગાઉ મે, 2022માં યુએઈ સાથે કરાર અમલી બન્યા હતા. કાઉન્સિલના અન્ય સભ્યોમાં બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા અને કતારનો સમાવેશ થાય છે. જોકે, કતાર સાથે વેપાર કરાર માટે ટૂંક સમયમાં વાટાઘાટો શરૂ થશે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2024-25માં ભારત-ઓમાન વચ્ચેનો દ્વીપક્ષીય વેપાર 10.5 અબજ ડૉલરની સપાટીએ રહ્યો હતો જેમાં ભારતની નિકાસ ચાર અબજ ડૉલરના સ્તરે અને આયાત 6.54 અબજ ડૉલરના સ્તરે રહી હતી. ભારત ઓમાનથી મુખ્યત્વે પેટ્રોલિયમ પેદાશો અને યુરિયાની આયાત કરે છે જે કુલ આયાતનો 70 ટકા બહોળો હિસ્સો ધરાવે છે.

આ સિવાય અન્ય મુખ્ય ઉત્પાદનોમાં પ્રોપલિન અને ઈથીલિન પોલિમર્સ, પેટ કોક, જિપ્સમ,રસાયણ, આયર્ન અને સ્ટીલ અને ઘડાયેલા એલ્યુમિનિયમનો સમાવેશ થાય છે, જ્યારે ભારત ઓમાન ખાતે મિનરલ ફ્યુઅલ, કેમિકલ્સ, કિંમતી ધાતુ, આયર્ન અને સ્ટીલ, ધાન્ય, શિપ, બોટ્સ અને ફ્લોટિંગ સ્ટ્રક્ચર, ઈલેક્ટ્રિકલ મશીનરી, બોઈલર્સ, ચા, કોફી, મસાલા, વસ્ત્રો અને ખાદ્ય ચીજોનો સમાવેશ થાય છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button