સપ્ટેમ્બરમાં વિવિધ તેલખોળની નિકાસમાં 40 ટકાનો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગનાં અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા તાજેતરમાં સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં વિવિધ તેલખોળની નિકાસ સપ્ટેમ્બર, 2024નાં 2,13,744 ટન સામે 40 ટકા વધીને 2,99,252 ટનની સપાટીએ રહી છે, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર સુધીનાં છ માસિકગાળાની નિકાસ ગત સાલના સમાનગાળાના 20,82,533 ટન સામે સાધારણ 0.50 ટકાના સુધારા સાથે 20,93,067 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું છે.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં થયેલી કુલ 2,99,252 ટન તેલખોળની નિકાસ પૈકી 81,851 ટન સોયાબીનખોળની, 1,92,262 ટન રાયડાખોળની, 781 ટન સિંગખોળની અને 24,133 ટન એરંડાખોળની નિકાસનો સમાવેશ થાય છે.
વધુમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન થયેલી કુલ 20,93,067 ટન તેલખોળની નિકાસમાં સોયાબીનખોળની નિકાસ ઘટીને 8,39,075 ટન (9,08,800 ટન), રાયડાખોળની નિકાસ વધીને 11,07,436 ટન (10,15,903 ટન), સિંગખોળની નિકાસ વધીને 15,967 ટન (5090 ટન) અને એરંડાખોળની નિકાસ ઘટીને 1,30,589 ટન (1,38,560 ટન)ની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
નોંધનીય બાબત એ છે કે સરકારે ગત ત્રીજી ઑક્ટોબરથી રાઈસબ્રાનખોળની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરતાં નિકાસની તકો ખૂલવાથી રાઈસ મિલિંગ અને સોલ્વન્ટ એક્સ્ટ્રેક્શન ઉદ્યોગને લાભ થવાની સાથે ખેડૂતો અને પ્રોસેસરોને રાઈસબ્રાન તેલની આડ પેદાશોનું સારું રળતર થશે, એમ યાદીમાં જણાવ્યું હતું.
વધુમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન થયેલી નિકાસમાં મુખ્યત્વે એકમાત્ર જર્મની ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 47,531 ટન સામે 200.94 ટકા વધીને 1,43,039 ટનની સપાટીએ રહી હતી, જ્યારે ચીન ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 17,806 ટન સામે વધીને 4,95,095 ટનની સપાટીએ રહી હતી. આ સિવાય અન્ય મુખ્ય દેશો ખાતેની નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં બાંગ્લાદેશ ખાતેની નિકાસ 46.52 ટકા ઘટીને 2,12,865 ટન (3,98,068 ટન), દક્ષિણ કોરિયા ખાતેની નિકાસ 35.33 ટકા ઘટીને 2,32,274 ટન (3,59,204 ટન), ફ્રાન્સ ખાતેની નિકાસ 33.04 ટકા ઘટીને 56,959 ટન (85,068 ટન), વિયેટનામ ખાતેની નિકાસ 23.60 ટકા ઘટીને 1,00,552 ટન (1,31,606 ટન) અને થાઈલેન્ડ ખાતેની નિકાસ 18.82 ટકાના ઘટાડા સાથે 1,71,821 ટન (2,11,655 ટન)ની સપાટીએ રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.