નાણાકીય વર્ષ 2026માં ભારતનો વૃદ્ધિદર 7.5થી 7.8 ટકાનો અને 2027માં 6.6થી 6.9 ટકા આસપાસ રહેશેઃ ડિલોઈટ

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને પ્રબળ તહેવારી મોસમની માગ અને સર્વિસીસ ક્ષેત્રની કામગીરી મજબૂત રહેતાં આર્થિક વૃદ્ધિદર 7.5થી 7.8 ટકા આસપાસનો રહેશે, જ્યારે ઊંચા પાયાકીય દર અથવા તો ઊંચા બેઝ રેટને કારણે આગામી નાણાકીય વર્ષ 2026-27માં વૃદ્ધિદર 6.6થી 6.9 આસપાસ રહેવીની શક્યતા ડિલોઈટ ઈન્ડિયાએ વ્યક્ત કરી છે.
એકંદરે સ્થાનિક પ્રબળ માગ અને રાજકોષીય, નાણાકીય અને શ્રમ નીતિઓમાં નિર્ણાયક સુધારા તેમ જ વેપાર નીતિઓમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા હોવાથી ભારત માટે વર્ષ 2025 યાદગાર રહ્યું હતું.
વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છમાસિકગાળામાં (એપ્રિલથી સપ્ટેમ્બર) વિકસિત અર્થતંત્રો દ્વારા કરવામાં આવેલા નીતિવિષયક પરિવર્તનોને કારણે વેપારો ખોરવાઈ જવા જેવાં વૈશ્વિક વિપરીત પરિબળો મૂડીગત્ પ્રવાહમાં ભારે ચંચળતા રહી હોવા છતાં દેશનો વાસ્તવિક જીડીપી (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ) વૃદ્ધિદર આઠ ટકાની સપાટીએ રહ્યો હતો..
આપણ વાચો: દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
આમ તહેવારી મોસમની પ્રબળ માગ અને સર્વિસીસ ક્ષેત્રની મજબૂત કામગીરીને ધ્યાનમાં લેતા ડિલોઈટ ઈન્ડિયાએ સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 માટેના વૃદ્ધિદરનો અંદાજ 7.5થી 7.8 ટકા આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે. વધુમાં આગલા વર્ષના ઊંચા બેઝ રેટ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા આગામી નાણાકીય વર્ષ 2026-27નો જીડીપી વૃદ્ધિદર સહેજ મંદ પડીને 6.6થી 6.9 ટકા આસપાસ રહેવાની ધારણા મૂકી છે.
દેશના અર્થતંત્રમાં જોવા મળેલી સ્થિતિસ્થાપકતા એ કોઈ આકસ્મિક નથી, પરંતુ તે સતત વૃદ્ધિતરફી નીતિઓમાંથી ઉદ્ભવેલી હોવાનું ડિલોઈટ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રૂમકી મજમુદારે જણાવતા ઉમેર્યું હતું કે વર્ષ 2025નાં આરંભમાં વેપાર નીતિઓમાં અનિશ્ચિતતા, ભૂરાજકીય તણાવ અને મુખ્ય વેપારી ભાગીદાર દેશો સાથે વેપાર વૃદ્ધિ મંદ પડતાં નિર્ણાયક પગલાં લેવા માટે ફરજ પડી હતી.
આથી નીતિ ઘડવૈયાઓએ માગને પ્રેરિત કરવા માટે કર મુક્તિ, નીતિવિષયક દરમાં ઘટાડો અને જીએસટીના દર તર્કસંગત બનાવ્યા હતા. વધુમાં ફુગાવો અનુકૂળ સપાટીએ રહેવાની સાથે મુક્ત વેપાર કરારોને કારણે નિકાસને પણ મજબૂત રહેતાં આર્થિક વૃદ્ધિને પ્રબળ ટેકો મળ્યો હતો.
આપણ વાચો: આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો ‘હંગામી’ પણ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરશેઃ સીતારમણે શા માટે આમ કહ્યું?
એકંદરે માગ પ્રબળ રહેવાની સાથે વર્ષ 2026માં નીતિવિષયક ફોકસ મુખ્યત્વે પુરવઠા કેન્દ્રિત અને એમએસએમઈ કેન્દ્રિત રહેશે અને નવી વૃદ્ધિ માટે ખાસ કરીને વિકાસશીલ ટાયર-2 અને ટાયર-3 શહેરો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
તાજેતરમાં વેપાર નીતિમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે. ભારતે યુકે, ન્યૂઝીલેન્ડ અને ઓમાન સાથે મુખ્ય વેપાર કરાર કર્યા છે અને ઈઝરાયલ સાથે વાટાઘાટો શરૂ કરી છે.
સરકારના આ પગલાઓ વેપારમાં વૈવિધ્યકરણ લાવવાની દિશા તરફના છે. આ ભાગીદારીઓ ઉત્પાદનની તકો ખોલે છે અને ભારતીય સર્વિસીસ ક્ષેત્રનું અમેરિકાની બહારના ક્ષેત્રોમાં વિસ્તૃત કરવા ઉપરાંત રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરતાં સીધા વિદેશી રોકાણમાં વધારો કરતાં હોય છે, જે માળખાકીય અને ઔદ્યોગિક વિસ્તરણમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે, એમ મજમુદારે ઉમેર્યું હતું.



