વિદેશી હૂંડિયામણની અનામત 27.6 કરોડ ડૉલર ઘટીને 700 અબજની અંદર | મુંબઈ સમાચાર
વેપાર

વિદેશી હૂંડિયામણની અનામત 27.6 કરોડ ડૉલર ઘટીને 700 અબજની અંદર

મુંબઈઃ ગત ત્રીજી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામમત 27.6 કરોડ ડૉલર ઘટીને 700 અબજ ડૉલરની સપાટીની અંદર ઊતરીને 699.96 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 2.334 અબજ ડૉલર ઘટીને 700.236 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 4.049 અબજ ડૉલરના ઘટાડા સાથે 577.708 અબજ ડૉલરના સ્તરે રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મહત્ત્વનાં ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

વધુમાં રિઝર્વ બૅન્કની આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 40 લાખ ડૉલર ઘટીને 4.6669 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, દેશની સોનાની અનામત 3.753 અબજ ડૉલર વધીને 98.77 અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.5 કરોડ ડૉલર વધીને 18.814 અબજ ડૉલરના સ્તરે રહ્યા હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button