વિદેશી હૂંડિયામણની અનામતમાં 9.80 અબજ ડૉલરનું ગાબડું

મુંબઈઃ ગત બીજી જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહે મુખ્યત્વે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઘટાડો થવાથી દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત 9.80 અબજ ડૉલરના ગાબડાં સાથે ઘટીને 686.801 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 3.293 અબજ ડૉલર વધીને 696.61 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ અનામતોમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 7.622 અબજ ડૉલરના ઘટાડા સાથે 551.99 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. નોંધનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર સિવાયના યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મુખ્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન સોનાની અનામત 2.058 અબજ ડૉલર ઘટીને 111.262 અબજ ડૉલરના સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેનાં સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 2.5 કરોડ ડૉલર ઘટીને 18.778 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત પણ 10.5 કરોડ ડૉલરના ઘટાડા સાથે 4.771 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે આંકડાકીય માહિતીમાં ઉમેર્યું હતું.



