આંધ્ર પ્રદેશમાં ભારતની પ્રથમ મોટી સોનાની ખાનગી ખાણ ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે કાર્યરત થશે | મુંબઈ સમાચાર
વેપાર

આંધ્ર પ્રદેશમાં ભારતની પ્રથમ મોટી સોનાની ખાનગી ખાણ ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે કાર્યરત થશે

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશમાં ભારતની પ્રથમ મોટી ખાનગી સોનાની ખાણ ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે કાર્યરત થઈ જાય તેવી શક્યતા ડેક્ન ગોલ્ડ માઈન્સ લિ.નાં એક ટોચના અધિકારીએ વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યારે દેશમાં વર્ષે 1000 ટન સોનાની આયાત થાય છે અને દેશમાં ક્રૂડતેલ પછી સૌથી વધુ આયાત થતી હોય તો તે સોનાની હોય છે. આમ આ બાબતને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં સોનાનું ઉત્પાદન અત્યંત મહત્તવની બાબત છે.

આપણ વાંચો: વિશ્વની સૌથી મોટી સોનાની ખાણ નજીક સુરક્ષા દળો અને વિદ્રોહી વચ્ચે અથડામણ, બે ઠાર

ડેક્કન ગોલ્ડ માઈન્સ લિ. (ડીજીએમએલ) એ પહેલી અને એકમાત્ર સોનાનું ખનન કરતી હોય તેવી બીએસઈ ખાતે લિસ્ટેડ કંપની છે અને તે જીઓમાયસોર સર્વિસિસ ઈન્ડિયા લિ.નો હિસ્સો ધરાવે છે જેણે આંધ્ર પ્રદેશનાં જોન્નાગિરી ખાતે ખાનગી ક્ષેત્રની પહેલી સોનાની ખાણ વિકસાવી હોવાનું અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે જોન્નાગિરી ગોલ્ડ પ્રોજેક્ટને ગત જૂન મહિનામાં પર્યાવરણીય મંજૂરી મળી હતી અને રાજ્યની મંજૂરીઓ પણ માગવામાં આવી છે.

અત્રે યોજાયેલ સીઆઈઆઈ ઈન્ડિયા માઈનિંગ સમિટ 2025 પશ્ચાત્‌‍ પત્રકાર વર્તુળોને ડેક્કન ગોલ્ડ માઈન્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર હનુમા પ્રસાદે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ સ્થિરિકરણ ચાલી રહ્યું છે માત્ર પ્લાન્ટની ટેક્નોલૉજી પર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં પૂર્ણ સ્તરે ઉત્પાદન શરૂ થશે.

આપણ વાંચો: BCCI માટે IPL બની સોનાની ખાણ! BCCIની રેકોર્ડબ્રેક કમાણીમાં IPLનો સિંહફાળો

એક સમયે પૂર્ણ સ્તરે ઉત્પાદન શરૂ થતાં વર્ષે 750 કિલોગ્રામ સોનાનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જોકે, બેથી ત્રણ વર્ષમાં ઉત્પાદન 1000 કિલોગ્રામ સુધી વધારવામાં આવશે. હાલ દેશમાં 1.5 ટન સોનાનું ઉત્પાદન થાય છે અને અમારી ખાણમાં કામકાજ શરૂ થતાં વધુ એક ટનનો ઉમેરો થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે સોનાની ખાણ આંધ્ર પ્રદેશનાં કુર્નૂલ જિલ્લાનાં તુગ્ગલી મંડમનાં જોન્નાગીરિ, ઈર્રાગુડી અને પગાડીરાય ગામમાં આવેલી છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button