વેપાર

યુરોપિયન યુનિયન ખાતે નિકાસમાં ઉભરી રહેલા સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ મુખ્ય દેશો

નવી દિલ્હીઃ યુરોપિયન યુનિયન ખાતે ભારતીય સામાનોની નિકાસમાં મુખ્યત્વે સ્પેન, જર્મની, બેલ્જિયમ અને પોલેન્ડ મુખ્ય બજાર તરીકે ઉભરી રહેલા દેશોનો સમાવેશ થતો હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં ગત એપ્રિલથી નવેમ્બર દરમિયાન યુરોપિયન દેશોમાં સ્પેન ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના ત્રણ અબજ ડૉલરની સરખામણીમાં સૌથી વધુ 56 ટકા વધીને 4.7 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ભારતની કુલ નિકાસમાં સ્પેનનો હિસ્સો 0.5 પર્સન્ટેજ વધીને 2.4 ટકાના સ્તરે રહેતાં યુરોપ ખાતેની નિકાસમાં સ્પેનનો હિસ્સો સૌથી વધુ રહ્યો હતો. આ સિવાય ભારતની જર્મની ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 6.8 અબજ ડૉલરની તુલનામાં 9.3 ટકા વધીને 7.5 અબજ ડૉલરની સપાટીએ રહી હતી અને યુરોપિયન યુનિયન ખાતેની કુલ નિકાસમાં જર્મનીનો હિસ્સો 0.2 પર્સન્ટેજ વધીને 2.6 ટકાના સ્તરે રહ્યો હતો.

આ પણ વાંચો: ભારત પર અમેરિકાના ટેરિફની નહિવત અસર, નિકાસમાં વાર્ષિક 6 ટકાને દરે વધારો

તે જ પ્રમાણે સમીક્ષા હેઠળના સમયગાળામાં બેલ્જિયમ ખાતેના શિપમેન્ટ ગત સાલના સમાનગાળાના 4.2 અબજ ડૉલર સામે વધીને 4.4 અબજ ડૉલરના સ્તરે અને પૉલેન્ડ ખાતેના શિપમેન્ટ ગત સાલના સમાનગાળાના 1.69 અબજ ડૉલર સામે 7.6 ટકા વધીને 1.82 અબજ ડૉલરની સપાટીએ રહ્યા હતા.

એકંદરે જોઈએ તો યુરોપના દેશમાં જોવા મળેલી નિકાસમાં સ્પેન ખાતેની નિકાસમાં ઝડપી વૃદ્ધિ, જર્મનીમાં મક્કમ ગતિએ વિસ્તરણ અને બેલ્જિયમમાં સંતુલિત વલણ પરંપરાગત બજારોમાંથી વૈવિધ્યકરણ અને પરિપકવ અર્થતંત્રોમાં એકીકરણના સમતુલિત નિકાસ પ્રોફાઈલને પ્રતિબિંબિત કરે છે, એમ એક અધિકારીએ જણાવતા ઉમેર્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર અંગે વાટાઘાટો કરી રહ્યા છે અને બન્ને પક્ષો વચ્ચેના દ્વીપક્ષીય કરાર વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સ્વસ્થ વૃદ્ધિદર દાખવશે.

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ સાથેના કરારઃ ભારતીય નિકાસકારો ન્યૂઝીલેન્ડની ચીનની નિર્ભરતા ઘટાડવા મદદ કરશેઃ જીટીઆરઆઈ

ગત નાણાકીય વર્ષ 2024-25માં ભારત અને યુરોપિયન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 136.53 અબજ ડૉલરનો રહ્યો હતો, જેમાં 75.85 અબજ ડૉલરની નિકાસ અને 60.68 અબજ ડૉલરની આયાતનો સમાવેશ થતો હતો. આમ યુરોપિયન યુનિયન સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ભારતની કુલ નિકાસમાં યુરોપિયન યુનિયનનો હિસ્સો 17 ટકા રહ્યો હતો, જ્યારે આયાત નવ ટકા રહી છે.

નોંધનીય બાબત એ છે કે જો ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે કરાર થાય તો ભારત મુખ્યત્વે રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, પેટ્રો પેદાશ અને ઈલેક્ટ્રિકલ મશીનરીની વધુ સ્પર્ધાત્મક ભાવથી નિકાસ કરી શકશે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button