વેપાર

વર્ષ 2025માં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ રૂ. ચાર લાખ કરોડની પારઃ વૈશ્ણવ

નવી દિલ્હીઃ ગત કૅલેન્ડર વર્ષ 2025માં દેશની ઈલેક્ટ્રોનિક્સની નિકાસનો આંક રૂ. ચાર લાખ કરોડની સપાટી પાર કરી ગયો છે અને જ્યારે દેશમાં સેમીક્નડક્ટરના ચાર પ્લાન્ટ ધમધમતા થઈ જશે ત્યારે નિકાસમાં હજુ વૃદ્ધિ જોવા મળે તેવો આશાવાદ કેન્દ્રીય પ્રધાન અશ્વીની વૈષ્ણવે વ્યક્ત કર્યો હતો.

અધિકૃત અંદાજ અનુસાર વર્ષ 2024-25માં દેશમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદન 11.3 કરોડનું હતું અને નિકાસ રૂ. 3.3 લાખ કરોડના સ્તરે રહી હતી, જ્યારે વર્ષ 2025માં દેશની ઈલેક્ટ્રોનિક્સ નિકાસ રૂ. ચાર લાખ કરોડની સપાટી પાર થઈ ગઈ છે, રોજગાર સર્જન થયું છે અને વિદેશી હૂંડિયામણ પણ આવી રહ્યું છે. હવે વર્ષ 2026માં સેમીક્નડક્ટરનાં ચાર એકમોમાં વેપારી ધોરણે ઉત્પાદન શરૂ થતું આ વલણ જળવાઈ રહેશે, એમ તેમણે આજે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનના ક્ષેત્રમાં મુખ્ય ફાળો મોબાઈલ ફોન ઉદ્યોગનો છે. તેમ જ ઉદ્યોગના અંદાજ અનુસાર ઈકક્ટ્રોનિક્સ ક્ષેત્રે 25 લાખ કર્મચારીઓ સંકળાયેલા છે. વધુમાં તેમણે પ્રસાર માધ્યમને આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2025માં ભારતથી આઈફોનની નિકાસ લગભગ બમણી થઈને રૂ. 2.03 લાખ કરોડની સપાટીએ પહોંચી હતી. વર્ષ 2024માં એપલની નિકાસ રૂ. 1.1 લાખ કરોડના સ્તરે રહી હતી.

આ પણ વાંચો : કેનેડામાં 5 ગુજરાતીઓની કેમ થઈ ધરપકડ? જાણો શું છે મામલો

વધુમાં મોબાઈલ ઉત્પાદક સંગઠન ઈન્ડિયા સેલ્યુલર ઍન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિયેશનના જણાવ્યાનુસાર વર્તમાન નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન 75 અબજ ડૉલર (અંદાજે રૂ. 6.76 લાખ કરોડ)ની સપાટીએ પહોંચશે અને નિકાસ 30 અબજ ડૉલર (રૂ. 2.7 લાખ કરોડ) સુધી પહોંચે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે ગત નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં રૂ. 5.5 લાખ કરોડના મૂલ્યના મોબાઈલ ફોનનું ઉત્પાદન થયું હતું અને નિકાસ રૂ. બે લાખ કરોડની સપાટીએ રહી હતી.

માર્કેટ રિસર્ચ અને એનાલિસિસ કરતી કંપની કાઉન્ટરપૉઈન્ટનાં સહ સ્થાપક અને વાઈસ પ્રેસિડૅન્ટ નેઈલ શાહે જણાવ્યું હતું કે અમેરિકાએ ચીન પર ઊંચી ટૅરિફ લાદયા બાદ ભારતમાં ઉત્પાદનનું વિસ્તરણ કરતાં એપલ ભારતમાં પોસ્ટર ચાઈલ્ડ બની ગયું છે. ભારતમાં વર્ષ 2025માં મોબાઈલ ફોનનું ઉત્પાદન 30 કરોડ યુનિટના સ્તરે પહોંચ્યુ છે અને દર ચારમાંથી એક સ્માર્ટફોનની ભારતથી નિકાસ થઈ છે. ઊંચા સરેરાશ વેચાણ ભાવ અથવા તો પ્રીમિયમ ધરાવતી અમેરિકાની બજાર એપલ, સેમસંગ અને મોટરોલા માટે સૌથી મોટું નિકાસ મથક રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button