
નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડૉલરનો આંક પાર કરી જાય તેવી શક્યતા ચીફ ઈકોનોમિક એડ્વાઈઝર વી અનંથા નાગેશ્વરને વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે ભૂરાજકીયનીતિ `વિશાળ પરિવર્તન’ની સ્થિતિમાં છે, ત્યારે વૈશ્વિક યોજનાઓમાં ભારતની સ્થિતિ અને પ્રભાવ જાળવી રાખવા માટે આર્થિક વિકાસનું ખૂબ જ મહત્ત્વ છે. હાલમાં ભારતનું અર્થતંત્ર 3.9 ટ્રિલ્યન ડૉલરના જીડીપી સાથે વિશ્વનું પાંચમાં ક્રમાંકનું અર્થતંત્ર છે.
આ પણ વાંચો: ભારતીય અર્થતંત્ર માટે IMF એ વ્યક્ત કર્યું આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે…
અત્રે આઈવીસીએ ગ્રીન રિટર્ન્સ સમિટ 2025ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ચાર ટ્રિલ્યન ડૉલરની સપાટી પાર કરવાની નજીકમાં જ છે અને આગામી માર્ચનાં અંતે પૂરા થનારા વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 3.9 ટ્રિલ્યનથી વધીને ચાર ટ્રિલ્યનની સપાટી પાર કરી જાય તેવી શક્યતા છે.
આથી અર્થતંત્રને પણ હરિયાળું બનાવવા માટે એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા સંક્રમણ), આબોહવામાં પરિવર્તન અને હવામાનની અસ્થિરતાનો સામનો કરવા માટે આપણે જે કંઈપણ કરીએ છીએ તે નજીકનાં અને મધ્યમ બન્ને સમયગાળામાં આપણી પ્રાથમિકતા સાથે સુસંગત હોવું જોઈએ, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે દેશ ગ્લોબલ વૉર્મિંગ અને હવામાનમાં થતાં ફેરફારોનાં સંભવિત પરિણામોથી વાકેફ છે અને તેની કૃષિ, પર્યાવરણ અને દરિયાકાંઠાના વિસ્તારો પર અસર પડે તેમ હોવાથી એક દેશ તરીકે વર્ષ 2070 સુધીમાં ચોખ્ખા શૂન્યનાં સ્તર સુધી પહોંચવા પ્રતિબદ્ધ છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.



