ઑગસ્ટમાં કોલસાની આયાત સાધારણ ઘટીને 2.058 કરોડ ટન | મુંબઈ સમાચાર
વેપાર

ઑગસ્ટમાં કોલસાની આયાત સાધારણ ઘટીને 2.058 કરોડ ટન

નવી દિલ્હીઃ ગત ઑગસ્ટ મહિનામાં દેશમાં કોલસાની આયાત ઑગસ્ટ, 2024ના 2.070 કરોડ ટનની સરખામણીમાં સાધારણ 0.6 ટકા ઘટીને 2.058 કરોડ ટનની સપાટીએ રહી હોવાનું બીટૂબી ઈ-કોમર્સ સોલ્યુશન પુરું પાડતી એમ જંક્શન સર્વિસીસે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ, 2025 દરમિયાન દેશમાં કોલસાની આયાત ગત સાલના સમાનગાળાના 12.118 કરોડ ટન સામે ઘટીને 11.807 કરોડ ટનની સપાટીએ રહી છે. વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં થયેલી કુલ 2.070 કરોડ ટનની આયાતમાં 1.155 કરોડ ટન (1.304 કરોડ ટન) નોન કોકિંગ કૉલની અને 48.2 લાખ ટન (45.3 લાખ ટન) કોકિંગ કૉલની આયાત થઈ છે.

આ પણ વાંચો: નાણાકીય વર્ષ 2025માં કોલસાની નિકાસમાં 23 ટકાની વૃદ્ધિ

વધુમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન થયેલી કુલ 11.807 કરોડ ટન કોલસાની આયાતમાં નોન કોકિંગ કૉલની આયાત 7.217 કરોડ ટન (7.868 કરોડ ટન)ની અને નોન કોકિંગ કૉલની આયાત 2.704 કરોડ ટન (2.479 કરોડ ટન)ની સપાટીએ રહી હતી.

એમ જંક્શન સર્વિસીસના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર વિનય વર્માએ અગાઉ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસું લંબાઈ જવાથી તહેવારોની મોસમમાં કોલસાની માગ દબાણ હેઠળ રહી હતી. તેમ જ એકંદરે વર્તમાન નાણાકીય વર્ષમાં માગનો સિનારિયો મંદ જ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આગામી મધ્યમથી લાંબા સમયગાળા દરમિયાન કોલસાની માગમાં વૃદ્ધિ થશે, અલબત્ત થર્મલ પાવર પ્રોજેક્ટની મજબૂત પાઈપલાઈન હોવાથી વૃદ્ધિદર ધીમો રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button