નાણાકીય વર્ષ 2025માં કોલસાની નિકાસમાં 23 ટકાની વૃદ્ધિ | મુંબઈ સમાચાર
વેપાર

નાણાકીય વર્ષ 2025માં કોલસાની નિકાસમાં 23 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2024-25માં કોલસાની નિકાસ આગલા નાણાકીય વર્ષ 2023-24નાં 15.46 લાખ ટન સામે 23.4 ટકા વધીને 19.08 લાખ ટનની સપાટીએ રહી છે. નોંધનીય બાબત એ છે કે સરકાર અશ્મિભૂત ઈંધણની વધતી વૈશ્વિક માગ અંકે કરવા કોલસાની નિકાસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી હોવાથી નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે.

પ્રાપ્ત સરકારી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર મૂલ્યની દૃષ્ટિએ ગત નાણાકીય વર્ષમાં કોલસાની નિકાસ આગલા નાણાકીય વર્ષનાં રૂ. 1643.4 કરોડ સામે વધીને રૂ. 1828.2 કરોડની સપાટીએ રહી છે. તેમ જ નિકાસ મુખ્યત્વે નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન ખાતે થઈ છે.

આ પણ વાંચો: વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની માગ મંદ રહેવાની શક્યતાઃ એમ જંક્શન

અગાઉ થયેલા અભ્યાસમાં નેપાળ સહિતનાં પાડોશી દેશમાં ભારત 1.5 કરોડ ટન કોલસાની નિકાસ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. નિકાસને પ્રોત્સાહન, સ્થાનિકમાં વધી રહેલા ઉત્પાદન અને દેશમાં વધી રહેલી વૈકલ્પિક ઈંધણની સલામતી અને કોલસાના ક્ષેત્રને સતત ટેકો આપવામાં આવી રહ્યો હોવાથી નિકાસને ટેકો મળ્યો હોવાનું યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે દેશમાંથી આઠ લાખ ટન કોલસાની બાંગ્લાદેશ ખાતે, 30 લાખ ટન કોલસાની મ્યાનમાર ખાતે, 20 લાખ ટન કોલસાની નેપાળ ખાતે અને 20 લાખ ટન અન્ય દેશો ખાતે નિકાસ કરવાની ક્ષમતા છે.

એકંદરે દેશમાં કોલસાના ઉત્પાદનમાં વધારો અને નિકાસ થવાથી આર્થિક વૃદ્ધિ વધવાની સાથે રોજગારીમાં ઉમેરો તેમ જ સરકારની મહેસૂલી આવક પણ વધી શકે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button