રિલાયન્સની કંપનીએ ચીનથી આયાત થનારા રબર પર ‘ડમ્પિંગ’નો લગાવ્યો ગંભીર આરોપ, સરકારે તપાસના આદેશ આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં આવતી ચીનની વસ્તુઓ ફરી વિવાદનું કારણ બની છે. આ મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ખાસ કરીને ડમ્પિંગને લઇને મુદ્દો છંછેડાયો છે. વાસ્તવમાં ડમ્પિંગ એટલે કોઈ દેશ પોતાના દેશમાં બનેલી વસ્તુઓ બીજા દેશમાં ખૂબ જ ઓછી કિંમતે વેચે તેના કારણે તે દેશના સ્થાનિક ઉદ્યોગો પડી ભાંગે. અત્યારે જે મુદ્દાની વાત કરવાની છે તે મામલો રબર ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ મુદ્દે કોઈ સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ દેશના સૌથી અમીર ઉદ્યાગપતિ મુકેશ અંબાણીની કંપનીએ ફરિયાદ કરી છે.
ભારતના સ્થાનિક ઉદ્યોગને ખતમ કરવા માટે છે ચીન
દેશના સૌથી અમીર વ્યક્તિ દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે ઝડપી કાર્યવાહી થાય છે. આ કેસમાં પણ સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચીનમાંથી આયાત કરવામાં આવતા રબર મામલે તપાસ કરવા માટે વાણિજ્ય મંત્રાલયે એક બેઠક બોલાવીને આ મામલે વેપાર ઉપાયોના મહાનિર્દેશાલયને તપાસના આદેશ આપી દીધા છે. હવે જોવાનું એ છે કે, તપાસમાં શું સામે આવે છે? અને સરકાર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: ચીનથી થતી આયાત સામે વધુ 100 ટકા ટૅરિફના મુદ્દે ટ્રમ્પનાં યુ ટર્નથી ડૉલર મજબૂત થતાં સોનાચાંદીની તેજીને પંક્ચર
રિલાયન્સ સિબુર ઇલાસ્ટોમર્સ કંપની કોણ ચલાવે છે?
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જે કંપની દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે તે રિલાયન્સ સિબુર ઇલાસ્ટોમર્સ કંપની છે, જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Limited) અને સિબુરનો સંયુક્ત ઉદ્યોગ છે. ચીનથી આયાત કરાયેલા ‘હેલો-આઇસોબ્યુટેન’ અને ‘આઇસોપ્રીન રબર’ સામે રિલાયન્સ સિબુર ઇલાસ્ટોમર્સે ગંભીર આરોપો લગાવ્યા છે. કંપનીનો આરોપ છે કે ચીન આ ઉત્પાદનો ભારતમાં ડમ્પ કરી રહ્યું છે, તેમને ખૂબ જ અન્યાયી અને ઓછી કિંમતે વેચી રહ્યું છે. જેના કારણે ભારતના સ્થાનિક ઉદ્યોગોને ભારે મોટું નુકસાન થઈ શકે છે.
આઇસોપ્રીન રબરનો ઉપયોગ શામાં થાય છે?
તમને જણાવી દઇએ કે ચીનથી આવતા ‘હેલો-આઇસોબ્યુટેન’ અને ‘આઇસોપ્રીન રબર’ નો ઉપયોગ કાર, બાઈક, બસ અને ટ્રકના ટાયરોથી લઈને અનેક વસ્તુઓ બનાવવા માટે વપરાય છે. જેથી આ કંપની દ્વારા એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે, ચીનથી થતી આ આયાત પર તાત્કાલિક એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવી જોઈએ, જેથી બજારમાં વાજબી સ્પર્ધાનું વાતાવરણ સર્જાય અને સ્થાનિક ઉદ્યોગનો ડૂબતા બચાવી શકાય. જ્યારે સ્થાનિક ઉદ્યોગ દ્વારા રબરનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે તેઓ નક્કી કરેલી ગુણવત્તા અને કિંમતો પર બજારમાં વેચતા હોય છે. જ્યારે ચીનથી આવતો આ સામાન અહીંના બજારોમાં સસ્તી કિંમતે વેચાય છે. જેના કારણે રોજગારી પણ ઘટી શકે તેવી આશંકાઓ છે.
આ પણ વાંચો: ચીનથી આયાત થતાં ક્રેન પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ
DGTR એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લગાવવા ભલામણ કરશે?
DGTR દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કે રિલાયન્સ સિબુર ઇલાસ્ટોમર્સ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યાં છે તે સાચા છે કે ખોટા? તપાસ બાદ એ પણ જાણવા મળશે કે, વાસ્તવમાં ચીન ડમ્પિંગ કરી રહ્યું છે કે કેમ? જો આવું થઈ રહ્યું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે, આના કારણે ભારતના ઘરેલુ ઉત્પાદકોને નુકસાન પહોંચી શકે છે. જો આરોપ સાબિત થશે તો DGTR દ્વારા એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લગાવવા માટે સરકારને ભલામણ કરવામાં આવશે. કારણ કે, એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લગાવવાનું કામ ડિજીટીઆરનું નહીં પરંતુ નાણા મંત્રાલયનું હોય છે.



