વેપાર

વર્ષ 2025માં ભારતની ચીન સાથેની વેપાર ખાધ વધીને 106 અબજ ડૉલર થશેઃ જીટીઆરઆઈ…

નવી દિલ્હીઃ પાડોશી દેશ ચીન ખાતે નિકાસની સરખામણીમાં આયાતમાં ઝડપભેર વધારો થઈ રહ્યો હોવાથી વર્ષ 2025માં ભારતની ચીન સાથેની વેપાર ખાધ 106 અબજ ડૉલરની સપાટીએ પહોંચે તેવી શક્યતા થિન્ક ટૅન્ક જીટીઆરઆઈ (ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટીવ)એ વ્યક્ત કરી છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2022માં ભારતની ચીન ખાતેની નિકાસ જે વર્ષ 2021માં 23 અબજ ડૉલરની હતી તે ઘટીને 15.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી. ત્યાર બાદ વર્ષ 2023માં નિકાસ વધુ ઘટીને 14.5 અબજ ડૉલરના સ્તરે રહ્યા બાદ વર્ષ 2024માં સાધારણ વધારા સાથે 15.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી. વર્ષ 2025માં નિકાસ સાધારણ સુધારા સાથે 17.5 અબજ ડૉલર રહે તેવો અંદાજ જીટીઆરઆઈએ અહેવાલમાં મૂક્યો છે.

બીજી તરફ અહેવાલમાં આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે પાડોશી દેશ ચીનથી થતી આયાત ઝડપભેર વધી રહી છે. વર્ષ 2021થી 2024 દરમિયાન આયાત અનુક્રમે 87.7 અબજ ડૉલર, 102.6 અબજ ડૉલર, 91.8 અબજ ડૉલર અને 109.6 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. તેમ જ વર્ષ 2025માં આયાત 123.5 અબજ ડૉલરના સ્તરે રહે તેવી ધારણા અહેવાલમાં મૂકવામાં આવી છે.

આમ આયાતમાં વધારો અને નિકાસ ઓછી રહેતાં ભારતની ચીન સાથેની વેપાર ખાધ વર્ષ 2021માં 64.7 અબજ ડૉલરની હતી તે વર્ષ 2024માં 94.5 અબજ ડૉલરના સ્તરે રહી હતી અને વર્ષ 2025માં વેપાર ખાધ 106 અબજ ડૉલરની સપાટીએ રહે તેવી શક્યતા જીટીઆરઆઈના સંસ્થાપક અજય શ્રીવાસ્તવાએ જણાવ્યું હતું.

ગત 16મી ડિસેમ્બરના રોજ લોકસભામાં રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન જતીન પ્રસાદે જણાવ્યું હતું કે ચીન સાથેની વેપાર ખાધ મુખ્યત્વે કાચા માલ, ઈન્ટરમીડિએટ્સ સામાનો અને મૂડીગત્‌‍ સામાનોની આયાતને કારણે છે. ઑટો કમ્પોનન્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ પાર્ટસ અને એસેમ્બલીઝ, મોબાઈલ ફોનના પાર્ટસ, મશીનરી અને તેના પાર્ટસ, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગે્રડિઅન્ટ્સ વગેરેનો ઉપયોગ ફિનિશ્ડ ઉત્પાદન બનાવવા માટે થાય છે અને તેની ભારત બહાર નિકાસ પણ કરવામાં આવે છે.

વધુમાં આંતરપ્રધાનમંડળીય કમિટી પણ સ્થાપવામાં આવી છે જે આયાત અને નિકાસના વલણ પર વિચારણા કરીને સુધારાલક્ષી પગલાંની ભલામણ પણ કરે, એમ તેમણે ઉમેર્યું હતું. જીટીઆરઆઈના મતે ચીનથી ભારતમાં થતી કુલ આયાત પૈકી 80 ટકા આયાતને ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, ઓર્ગેનિક કેમિકલ્સ અને પ્લાસ્ટિક એમ ચાર વિભાગમાં વર્ગિકૃત કરી શકાય.

વર્તમાન વર્ષ 2025માં જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન ભારતની ચીનથી ઈલેક્ટ્રોનિક્સની આયાત 38 અબજ ડૉલરની સપાટીએ રહી છે. જેમાં 8.6 અબજ ડૉલરના મૂલ્યના મોબાઈલ ફોન કમ્પોનન્ટ્સની, 6.2 અબજ ડૉલરના મૂલ્યની ઈન્ટિગે્રટેડ સર્કિટની આયાત, 4.5 અબજ ડૉલરના મૂલ્યના લેપટોપની આયાત, ત્રણ અબજ ડૉલરના સોલાર સેલ અને મોડ્યુલની આયાત, 2.6 અબજ ડૉલરની પ્લેટ પેનલ ડિસ્પ્લેની આયાત 2.3 અબજ ડૉલરના મૂલ્યની લિથિયમ આયન બેટરીઝ અને 1.8 અબજ ડૉલરની મેમરી ચિપ્સની આયાત થઈ હતી.

આ સમયગાળામાં 25.9 અબજ ડૉલરની મશીનરીની આયાત થઈ છે. જેમાં ટ્રાન્સફોર્મરનો હિસ્સો 2.1 અબજ ડૉલરનો રહ્યો હતો જે પાવર અને ઔદ્યોગિક પ્રોજેક્ટો માટેના મૂડીગત્‌‍ માલો માટે ભારતની ચીન પરની નિર્ભરતા દર્શાવે છે, એમ શ્રીવાસ્તવાએ ઉમેર્યું હતું. આ સિવાય 1.7 અબજ ડૉલરના એન્ટિબાયોટિક્સની આયાત ઓર્ગેનિક કેમિકલની આયાત પણ વધીને 11.5 અબજ ડૉલરના સ્તરે પહોંચી છે. આ બાબત પણ ફાર્માસ્યુટિકલ અને ઈન્ટરમીડિએટ્સ બજારમાં ચીનનું પ્રભુત્વ દર્શાવે છે.

આ સમય દરમિયાન 87.1 કરોડ ડૉલરના મૂલ્યના પીવીસી રેઝિન સહિત પ્લાસ્ટિકની આયાત 6.3 અબજ ડૉલરના સ્તરે રહી છે, જ્યારે સ્ટીલ અને સ્ટીલના ઉત્પાદનોની આયાત 4.6 અબજ ડૉલરના સ્તરે અને મેડિકલ તથા સાયન્ટિફિક ઈક્વિપમેન્ટની આયાત 2.5 અબજ ડૉલરના સ્તરે રહી છે. જોકે, ગત નવેમ્બરમાં ભારતની ચીન ખાતે નિકાસ 90 ટકા વધીને 2.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે ગત એપ્રિલથી નવેમ્બર સુધીની નિકાસ 33 ટકાની વૃદ્ધિ સામે 12.2 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું જીટીઆરઆઈએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button