સાંકડી વધઘટે ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ૮૩.૯૪ની આગલા બંધની સપાટીએ ટકેલો રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાથી બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના ૮૩.૯૪ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૯૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૬ અને ઉપરમાં ૮૩.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે આગલી ૮૩.૯૪ની સપાટીએ જ ટકેલા ધોરણે બંધ રહ્યો હતો.
એકંદરે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાને નીચા મથાળેથી ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા જણાય છે.
આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૪ ટકા ઘટીને ૧૦૨.૬૬ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨૦ ટકા ઘટીને બેરલદીઠ ૮૦૧.૦૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે ૧૩૩૦.૯૬ પૉઈન્ટ અને ૩૯૭.૪૦ પૉઈન્ટ વધીને બંધ રહ્યા હતા. જોકે, ગત બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૫૯૫.૨૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો રૂંધાઈ ગયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.