ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને વ્યાજદરમાં કપાતની આશા પર પાણી ફરી વળતા
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ.563નો અને ચાંદીમાં રૂ. 140નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત નજીકના ભવિષ્યમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ પર પાણી ફરી વળતા ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ ફરી આૈંસદીઠ 3300 ડૉલરની સપાટીની અંદર ઊતરી ગયા હતા અને ચાંદીના ભાવ પણ ઘટી આવ્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર સોનામાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ 0.7 ટકા જેટલા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 560થી 563નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 140નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને વિશ્વ બજાર પાછળ સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 25 પૈસા સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો પણ ઘટી આવતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 560 ઘટીને રૂ. 97,579 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 563 ઘટીને રૂ. 97,971ના મથાળે રહ્યા હતા. જોકે, નીચા મથાળેથી થોડાઘણા અંશે રોકાણલક્ષી માગનો ટેકો જોવા મળ્યો હતો, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ છૂટીછવાઈ રહી હતી. વધુમાં આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે વેરારહિત ભાવ કિલોદીઠ રૂ. 140ના ઘટાડા સાથે રૂ. 1,09,810ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ વધીને 29મી મે પછીની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળા આસપાસ આૈંસદીઠ 3288.89 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 3339.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 36.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના જીડીપીમાં જોવા મળે વૃદ્ધિ ઉપરાંત બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીની સંખ્યામાં ઘટાડો અને પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી વર્ષ 2025માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું નેમો મનીના વિશ્લેષક હૅન ટેને જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વે છેલ્લી નીતિવિષયક બેઠકમાં વ્યાજદર 4.25થી 4.50 ટકાના સ્તરે યથાવત્ રાખ્યા હતા અને સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતની શક્યતા નકારી હતી.
આપણ વાંચો: નુવામા વેલ્થ અને જેન સ્ટ્રીટ પર આઇટી ડિપાર્ટમેન્ટના દરોડા
વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આજથી થતાં ટૅરિફના અમલ પૂર્વે કેનેડા, બ્રાઝિલ, ભારત અને તાઈવાન સહિતનાં ડઝનબંધ દેશોથી થતી આયાત સામેની ટૅરિફમાં નોંધપાત્ર વધારો કર્યો હતો અને વૈશ્વિક અર્થતંત્રમાં ફેરબદલાવની જાહેરાત કરી હતી. જોકે, અમેરિકી ટૅરિફની વૈશ્વિક અર્થતંત્રો પર પડનારી સંભવિત માઠી અસરોને ધ્યાનમાં લેતાં સોનાને અમુક અંશે સલામતી માટેની માગનો છૂટોછવાયો ટેકો મળી રહ્યો હોવાનું ટેને જણાવ્યું હતું.