કોપર અને બ્રાસમાં ધીમો સુધારો, અન્ય ધાતુઓમાં પીછેહઠ
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરમાં વધ્યા મથાળેથી પીછેહઠ અને અન્ય ધાતુઓમાં મિશ્ર વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં સપ્તાહના આરંભે ખાસ કરીને કોપર સ્ક્રેપ હેવીમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય વેરાઈટીઓ અને બ્રાસમાં ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી આઠનો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં બ્રાસ અને કોપરની અમુક વેરાઈટીઓમાં ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. તેમાં બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને રૂ. ૫૭૫, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારનાના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૩૨ અને રૂ. ૮૫૪ અને કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર તથા બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૮૦૧, રૂ. ૭૭૯ અને રૂ. ૫૨૦ના મથાળે રહ્યા હતા.