સ્થાનિક સોનામાં ₹ ૩૧૮નો અને ચાંદીમાં ₹ ૪૮૨નો સુધારો
ભવિષ્યમાં વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડાના સંકેતે વૈશ્ર્વિક સોનું ઊંચી સપાટીએથી પાછું ફર્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે કાપ મૂકવામાં આવે આશાવાદ પર ગઈકાલે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પાણી ફેરવી નાખતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઘટ્યા મથાળેથી સલામતી માટેની માગમાં વધારો તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઘટી આવતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૭થી ૩૧૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૪૮૨નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૮૨ના સુધારા સાથે રૂ. ૮૯,૮૮૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક બજારમાં ઘટ્યા મથાળેથી સુધારો આવતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૭ વધીને રૂ. ૭૫,૨૧૩ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૮ વધીને રૂ. ૭૫,૫૧૫ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી પણ સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી માત્ર ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
તાજેતરમાં અમેરિકા ખાતે જાહેર થયેલા આર્થિક વૃદ્ધિ અને ફુગાવાના ડેટાઓ પ્રોત્સાહક આવ્યા હોવા છતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટી માત્રામાં કાપ મૂકવાની ઉતાવળ નહીં કરે અને માત્ર ૨૫ બેસિસ પૉઈન્ટના ઘટાડાથી આગળ વધશે, એમ ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હોવાથી વ્યાજદરમાં મોટી માત્રામાં કપાતની બજાર વર્તુળોની આશા પર પાણી ફરી વળ્યું હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૬૮૫.૪૨ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૬૪૯.૫૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૬૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી દિવસોમાં ફેડરલનાં ઘણાં વક્તાઓનાં નિવેદનો જોવા મળશે, પરંતુ અંતે તો નીતિ ઘડવૈયાઓનો વ્યાજદરમાં કપાત અંગેનો નિર્ણય મુખ્યત્વે ડેટા પર અવલંબિત જ રહે તેમ હોવાથી બજારમાં ચંચળતાનું વલણ જોવા મળશે, એમ આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે જો ભવિષ્યમાં રોજગાર ક્ષેત્રના ડેટા અપેક્ષા કરતાં નબળા આવશે તો વ્યાજદરમાં મોટી માત્રામાં કપાતની શક્યતાઓ પ્રબળ બનશે અને સોનાના ભાવમાં સુધારાને ટેકો મળતો રહેશે. વધુમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિમાં વધારો થવાથી પણ સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૩ ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.