વેપાર

લીડ સિવાયની ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ બે સત્રની મંદીને બ્રેક લાગતા બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા ટકેલા વલણ અને લીડ ઈન્ગોટ્સમાં જોવા મળેલા કિલોદીઠ રૂ. બેના ઘટાડાને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓનાં ભાવમાં કિલોદીઠ રૂ. બેથી રૂ. ૧૩ સુધીનો સુધારો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકાના સુધારા સાથે ટનદીઠ ૧૦,૪૫૦.૫૦ ડૉલર અને એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૭ ટકા ઘટીને ટનદીઠ ૪.૮૧૦૨ પાઉન્ડ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે બન્ને કોન્ટ્રાક્ટ ઊંચી સપાટીએથી પાછા ફર્યા હોવાથી સમયસર ડિલિવરીઓ ઉતરશે કે નહીં તેના પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી છે.

દરમિયાન આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી અને સાર્વત્રિક સ્તરેથી માગ ખૂલતાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૩ વધીને રૂ. ૩૧૬૩, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને અનુક્રમે રૂ. ૭૮૮ અને રૂ. ૯૨૨ તથા નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૭૨૩ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો તેમાં કોપર કેબલ સ્ક્રેપ, કોપર સ્ક્રેપ હેવી, કોપર આર્મિચર અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૮૭૭, રૂ. ૮૬૫, રૂ. ૮૪૪ અને રૂ. ૨૭૫ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને અનુક્રમે રૂ. ૫૪૫ અને રૂ. ૨૪૬ના મથાળે રહ્યા હતા.

જોકે, આજે છૂટીછવાઈ માગને ટેકે બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૫૮૦ અને રૂ. ૧૮૫ના મથાળે ટકેલા રહ્યા હતા, જ્યારે નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૧૯૬ના મથાળે રહ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button