આઈએમએફ દ્વારા ભારતની વૃદ્ધિનો અંદાજમાં સુધારો, મજબૂત સ્થાનિક પરિબળોનો નિર્દેશઃ ગોયલ | મુંબઈ સમાચાર
વેપાર

આઈએમએફ દ્વારા ભારતની વૃદ્ધિનો અંદાજમાં સુધારો, મજબૂત સ્થાનિક પરિબળોનો નિર્દેશઃ ગોયલ

નવી દિલ્હીઃ તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.6 ટકા કરવામાં આવ્યો છે, જે દેશનાં મજબૂત આર્થિક પરિબળો અને આર્થિક સ્થિતિસ્થાપકતાનો નિર્દેશ આપે છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે તાજેતરમાં જણાવ્યું હતું.

ગત બુધવારે રસાયણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગનાં પ્રતિનિધિઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં આઈએમએફએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતનાં જીડીપીનો અંદાજ જે અગાઉ 6.4 ટકા મૂક્યો હતો તે વધારીને 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આઈએમએફનો આ નિર્ણય દેશની આર્થિક સ્થિતિસ્થાપકતા અને મજબૂત સ્થાનિક પરિબળોનો સંકેત આપે છે.

આપણ વાંચો: ભારતીય અર્થતંત્ર માટે IMF એ વ્યક્ત કર્યું આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે…

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી ટૅરિફને કારણે વેપારો વિક્ષેપિત થતાં પૂર્વે ગત એપ્રિલથી જૂન સુધીનાં ત્રિમાસિકગાળામાં દેશનો આર્થિક વૃદ્ધિદર પાંચ ત્રિમાસિકગાળાનો સૌથી વધુ 7.8 ટકાના સ્તરે રહ્યો હતો. આ વૃદ્ધિ દેશના અર્થતંત્રની મજબૂતી અને વિશ્વાસ વૃદ્ધિ દર્શાવે છે. આજે જીએસટીનાં દરમાં ઘટાડા અને માળખાકીય ક્ષેત્રમાં થઈ રહેલા રોકાણમાં વધારાને કારણે ગ્રાહકોની ખર્ચશક્તિમાં વધારો થયો છે.

આ મહિનાના આરંભે વિશ્વ બૅન્કે પણ વર્તમાન નાણાકીય વર્ષ માટેનાં આર્થિક વૃદ્ધિદરનો અંદાજ જે અગાઉ 6.3 ટકા મૂક્યો હતો તે વધારીને 6.5 ટકા કર્યો હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભારત સૌથી વધુ ઝડપભેર વિકસી રહેલા અર્થતંત્ર તરીકેનું સ્થાન જાળવી રાખે તેવી પ્રબળ શક્યતા છે.

આપણ વાંચો: મજબૂત સ્થાનિક માગને ધ્યાનમાં લેતા એસ ઍન્ડ પીએ 6.5 ટકા વૃદ્ધિદરનો અંદાજ જાળવી રાખ્યો

વધુમાં તેમણે હાલ ભારતીય રસાયણ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રનો વૈશ્વિક નિકાસમાં હિસ્સો જે સાધારણ છે તે વધારીને આંતરરાષ્ટ્રીય વેપારમાં નેતૃત્વની સ્થિતિ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવા આહ્વાન કરવાની સાથે સાથે તેમણે ભારતનાં મુક્ત વેપાર કરારમાં નાની છૂટછાટો આપવા અંગે આ ક્ષેત્રનાં વાંધા-વચકા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે તમારો ઉદ્યોગ ક્યારેક એટલી નબળાઈ દાખવે છે કે ભારતમાં આપણાં વપરાશનો એક કે ત્રણ ટકાનો નાનો ક્વૉટા આપવામાં આવે ત્યારે તમે મોટો હોબાળો કરો છે અને મને નિરાશા થતી હોય છે.

વેપાર કરારમાં ભારતે પણ અન્ય બજારમાંથી રાહત મેળવવા માટે સામા પક્ષ માટે અમુક ક્ષેત્ર ખોલવા પડતાં હોય છે, એમ જણાવતા તેમણે પુરવઠાચેઈનની સ્થિતિસ્થાપકતા અને વૈવિધ્યકરણની મહત્ત્વતા પર ભાર મૂકતા કહ્યું હતું કે એક જ પુરવઠાકાર અથવા તો ઓછા પુરવઠાકાર દેશો પરની નિર્ભરતા નબળાઈઓ ઊભી કરી શકે છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button