એફઆઇઆઇની અધધધ એક લાખ કરોડની વેચવાલી
મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ (એફપીઆઈઝ) ભારતને અલવિદા કહીને પલાયન થવાનું ચાલુ રાખીને શેરોમાં ઓકટોબર મહિનાના ૨૫ દિવસમાં જ રૂ. ૧,૦૦,૨૫૩ કરોડનું જંગી વિક્રમી વેચાણ કર્યું છે. આ મુજબ ઓકટોબર મહિનામાં વિદેશી ફંડોએ અત્યાર સુધીમાં માત્ર ૨૫ દિવસમાં જ ૧૦ અબજ ડોલરથી વધુ મૂડી ઘરભેગી કરી છે.
આ સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે ડોમેસ્ટિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો (ડીઆઈઆઈઝ) દ્વારા આ ૨૫ ટ્રેડીંગ દિવસમાં રૂ. ૯૬,૭૮૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરવામાં આવી હોવા છચાં પણ ભારતીય શેરબજારમાં સતત ધોવાણ થતું જોવા મળ્યું છે.
વિદેશી રોકાણકારોએ ભારત પર જાણે કે ભરોસો ગુમાવ્યો હોય એમ સતત વેચવાલી કરી રહ્યા છે. ભારતીય શેર બજારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી શેરોમાં ઐતિહાસિક અવિરત તેજી જોવાઈ વર્ષ ૨૦૨૪માં જ સેન્સેક્સ ૨૭, સપ્ટેમ્બર ૨૦૨૪ના ૮૫,૯૭૮.૨૫ની સર્વોચ્ચ વિક્રમી ટોચ બનાવી હતી. આ સાથે નિફટી ૫૦ ઈન્ડેક્સે પણ ૨૬,૨૭૭.૩૫ની વિક્રમી ટોચ બનાવી હતી.
શેરોમાં લાંબા સમયથી રેકોર્ડ તેજી જોવાયા બાદ ઘણા શેરોમાં વેલ્યુએશન કંપનીની કામગીરી અને ફંડામેન્ટલ કરતાં વધુ ખર્ચાળ બનતું જોવાયું છે. સેબી અને બજારના એનાલિસ્ટો, નિષ્ણાંતોએ પાછલા કેટલાક સમયથી સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુએશન કંપનીઓના ફંડામેન્ટલ સાથે બંધબેસતું નહીં હોવાનું જણાવીને રોકાણકારોને ચેતવવાનું શરૂ કરી દીધું હતું.
આ સાથે ફંડોએ પણ પોતાના રોકાણ પોર્ટફોલિયોને હળવો કરવાનું શરૂ કરી દીધું છે.ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી સામે મ્યુચ્યુઅલ ફંડો હજું શેરોમાં ઊંચા ભાવે રિટેલ રોકાણકારોની સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપીઝ) થકી દર મહિને રૂ.૨૧,૦૦૦ કરોડ જેટલા આવતાં રોકાણ થકી ખરીદી કરતાં રહ્યા છે. પરંતુ બજારમાં શેરોમાં સતત ધોવાણ થઈ રહ્યા સાથે સેન્સેક્સ, નિફટી, સ્મોલ કેપ, મિડ કેપ ઈન્ડેક્સ તૂટતાં જોવાઈ રહ્યા છે.
ઈઝરાયેલ-હમાસ-હિઝબુલ્લા વચ્ચે યુદ્વ સાથે ઈરાન સાથે ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન તેમ જ ચાઈના તેના અર્થતંત્રને ઉગારવા મેગા સ્ટીમ્સુયલ-રાહત પેકેજ જાહેર કરતાં વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ વેચીને ચાઈનામાં રોકાણ તરફ વળી રહ્યાના સંકેતે પણ ભારતીય શેર બજારોમાં શેરોના ભાવો તૂટતાં જોવાઈ રહ્યા છે.