GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી | મુંબઈ સમાચાર
વેપાર

GSTમાં ઘટાડાથી રિન્યુએબલ એનર્જીમાં રોકાણકારોને રૂ. 1.5 લાખ કરોડની બચત થશેઃ પ્રલ્હાદ જોશી

નવી દિલ્હીઃ આજથી જીએસટીના દરમાં ઘટાડો અમલી બની રહ્યો છે ત્યારે નવા અને રિન્યુએબલ એનર્જી ખાતાનાં કેન્દ્રીય પ્રધાન પ્રલ્હાદ જોશીએ જીએસટીના દરમાં ઘટાડાનું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું હતું કે આ ઘટાડાને પગલે રિન્યુએબલ એનર્જીમાં રોકાણકર્તાઓને આગામી વર્ષ 2030 સુધીમાં રૂ. 1.5 લાખ કરોડની બચત થશે.

કેન્દ્ર અને રાજ્યનાં નાણાં પ્રધાનોની જીએસટી (ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ)પરની કાઉન્સિલે આજથી અર્થાત્‌‍ નોરતાનાં પ્રથમ દિવસથી જીએસટીના દરમા ઘટાડો કરવા માટેનો લીધેલો નિર્ણય ગ્રાહકો માટે એક મોટી ભેટ અથવા તો બોનાન્ઝા સમાન છે, એમ તેમણે અત્રે સીઆઈઆઈ દ્વારા યોજાયેલ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય એનર્જી પરિસંવાદ પશ્ચાત્‌‍ પત્રકાર વર્તુળોને જણાવતા કહ્યું હતું કે આ ઘટાડાથી આગામી વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીના 500 ગિગા વૉટનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક સર થશે.

આ પણ વાંચો: જીએસટીના દરમાં ફેરફારથી મોંઘવારીમાં પણ થશે ઘટાડો, જાણો વિગતે

વધુમાં તેમણે રિન્યુએબલ ઈક્વિપમેન્ટ પરના જીએસટીના દર જે 18 ટકા હતા તે ઘટાડીને પાંચ ટકા કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ ઘટાડાથી રોકાણકારોને આગામી વર્ષ 2030 સુધીમાં રૂ. એક લાખ કરોડથી રૂ. 1.5 લાખ કરોડ સુધીની બચત થશે.

મિનિસ્ટ્રી ઑફ ન્યૂ ઍન્ડ રિન્યુએબલ એનર્જી આગામી વર્ષ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં 300 ગિગા વૉટનો ઉમેરો થાય તેવી યોજના ધરાવે છે. તે જોતા રોકાણકારોના ખર્ચમાં અંદાજે રૂ. 1થી 1.5 લાખ કરોડનો ઘટાડો થશે. તેમ જ વડા પ્રધાનની પીએમ સૂર્ય ઘર, મુફ્ત બિજલી યોજના હેઠળ 3 કિલોવૉટ સિસ્ટમમાં રૂફટોપમાં રૂ. 9000થી 10,500 સુધીનો ઘટાડો થશે.આ ઉપરાંત સોલાર પમ્પનાં જીએસટીના દરમાં ઘટાડો થતાં પીએમ કુસુમ હેઠળ ખેડૂતોને 10 લાખ સોલાર પમ્પ સાથે રૂ. 1750 કરોડની બચત થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: જીએસટીનાં દરમાં અસંગતતાથી કોરૂગેટેડ બોક્સ ઉત્પાદકોનું અસ્તિત્વ જોખમાશે

વધુમાં પરિસંવાદને સંબોધતા તેમણે કહ્યું હતું કે વર્ષ 2021માં સીઓપી 26માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લિન એનર્જીની હાકલ કરી હતી ત્યારે નોન ફોસિલ ફ્યુઅલથી વર્ષ 2030 સુધીમાં 500 ગિગા વૉટ વીજ ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક મૂક્યો હતો ત્યારે આ અશક્ય જણાતું હતું, પરંતુ હવે હું ગર્વથી કહી શકું છે કે નોન ફોસિલ ફ્યુઅલ સ્રોતથી ઊર્જા ઉત્પાદન ક્ષમતાનો 50 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે અને માત્ર પાંચ વર્ષમાં જ 500 ગિગા વૉટનાં લક્ષ્યાંક પૈકી 252 ગિગા વૉટ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરી લીધી છે.
વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે પીએમ સૂર્ય ઘર, મુફ્ત બિજલી યોજના હેઠળ અંદાજે 20 લાખ ઘરોને લાભ મળ્યો છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button