વેપાર

ઉત્પાદન વધારવા એસઈઝેડ માટે રાહતનાં પગલાંની શક્યતા તપાસતી સરકારઃ ગોયલ

વિશાખાપટનમઃ દેશના સ્પશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે અમુક રાહતનાં પગલાંઓનાં પ્રસ્તાવો પર સરકાર તપાસ કરી રહી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પિયૂષ ગોયલે જણાવતા ઉમેર્યું હતું કે સરકાર આ ઝોનમાં વધારાની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાના માર્ગો અને માધ્યમો પણ શોધી રહ્યું છે.
અત્રે આંધ્ર પ્રદેશન એસઈઝેડમાં બ્રાન્ડિક્સ ટેક્સ્ટાઈલ એકમની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ઉત્પાદનમાં પ્રોત્સાહન એક રીતે આયાતનો વિકલ્પ પણ હશે કારણ કે અન્ય દેશમાંથી આવતા ઘણાં માલ સામાનને ડૉમેસ્ટિક ટૅરિફ એરિયામાં સપ્લાય કરવામાં આવતા વધુ સારા ફાયદા મળતા હોય છે. અમને આશાવાદ છે કે દેશમાં એસઈઝેડમાં ઉત્પાદન મોટી માત્રામાં વધશે. અમે આ ઝોનમાં ઉત્પાદન વધારવા માટે વધુ રાહતો આપવા અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે તેઓ અત્રે સીઆઈઆઈ દ્વારા યોજાનાર `પાર્ટર્નરશિપ સમિટ 2025’માં પણ હાજરી આપવાના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે એસઈઝેડનાં કમિશનરોએ પણ આગામી સપ્તાહે બેઠક યોજવા માટે જણાવ્યું છે અને તેઓ બ્રાન્ડિક્સ પાર્ક અને એએમટીઝેડ (આંધ્ર પ્રદેશ મેડટૅક ઝોન) પાર્કની મુલાકાત લઈને વૈશ્વિક કક્ષાની માળખાકીય ગુણવત્તા અને જાળવણીની ચકાસણી કરશે. જોકે, આ ઝોનને રાહત વધારવા માટે કોઈ ખરડો સંસદ પસાર કરશે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે અમે આ તમામ શક્યતાઓની ચકાસણી કરી રહ્યા છીએ અને જો જરૂર પડશે તો અમે સુધારો કરશું અથવા તો નિયમ અનુસાર રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતોએ એસઈઝેડ માટે સંપાદિત જમીન પાછી આપવાની માગણી કરી: બાવનકુળેએ સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો

વધુમાં એસઈઝેડનાં ઉત્પાદનોનું ડ્યૂટી ફોરગોન ધોરણે ડૉમૅસ્ટિક ટૅરિફ એરિયા (ડીટીએ) હેઠળ વેચાણ માટે મંજૂરી આપવાનાં પ્રસ્તાવ અંગે મંત્રાલય કોઈ વિચારણા કરી રહી છે કે કેમ એવું પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે અમે આંતરપ્રધાનમંડળીય સલાહમસલત કરીને એસઈઝેડ અને ડીટીએ એકમોના હિતને ધ્યાનમાં રાખી જે શ્રેષ્ઠ હશે તે કરવાની કોશિશ કરીશું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button