અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૧૭૧ની અને ચાંદીમાં ₹ ૬૯૧ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી અને સતત બીજા સપ્તાહમાં સાપ્તાહિક ધોરણે ભાવ વધીને બંધ રહે તેવી શક્યતા જણાય છે. વધુમાં આજે ચાંદીના ભાવમાં પણ ગત ૧૭ મે પછીનો સાપ્તાહિક ધોરણે ઉછાળો જોવા મળે તેમ જણાય છે. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૦થી ૧૭૧ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૬૯૧ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૯૧ વધીને રૂ. ૯૦,૭૦૯ના મથાળે રહ્યા હતા. જોકે, ચાંદીમાં જ્વેલરી ઉત્પાદકોની પાંખી લેવાલી હતી. વધુમાં સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૦ વધીને રૂ. ૭૨,૩૪૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૧ વધીને રૂ. ૭૨,૬૪૦ના મથાળે રહ્યા હતા. જોકે, રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાના અહેવાલ હતા.
વર્તમાન સપ્તાહમાં અમેરિકાના આર્થિક ડેટાઓ નબળા આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ટેકે સોનામાં તેજીને ટેકો મળતો રહ્યો છે. ફેડરલ રિઝર્વનાં વ્યાજદર કપાતનાં નિર્ણયની અસર થતી હોય તેવાં અમેરિકાના નોનફાર્મ પૅરૉલ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવા છતાં સોનાચાંદીનાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડર્સનાં વિશ્ર્લેશક ટીમ વૉટરરે જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૩૬૩.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૨૩૭૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો વધારો નોંધાયો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ૦.૬ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૩૦.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત બુધવારે અમેરિકાનાં સર્વિસીસ તથા એડીપી એમ્પ્લોયમેન્ટ ડેટા નબળા આવતાં અમેરિકન અર્થતંત્ર નબળું પડી રહ્યું હોવાના નિર્દેશો આપી રહ્યા હતા. તેમ જ અન્ય એક ખાનગી અહેવાલમાં અમેરિકા ખાતે બેરોજગારી ભથ્થુ મેળવનારાની અરજીમાં પણ વધારો થયો હોવાનું જણાવ્યું હતું. જો આજે અમેરિકાનાં નોન ફાર્મ પૅરૉલ ડેટા અપેક્ષાથી નબળા આવે તો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કપાતની શક્યતા ઉજળી બનતાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે, એમ વૉટરરે ઉમેર્યું હતું. હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં કપાતની શરૂઆતની ૭૩ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.