વેપાર

સોનામાં ₹ ૨૫૦ની આગેકૂચ, ચાંદી ₹ ૪૨૮ની તેજી સાથે ₹ ૭૪,૦૦૦ની પાર

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં વર્ષ ૨૦૨૪નો આરંભ સુધારાના અન્ડરટોને થયો હોવાના નિર્દેશ હતા. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં આયાતકારોની માગને ટેકે રૂપિયો ૧૧ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૯થી ૨૫૦ની આગેકૂચ જોવા મળી હતી. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૨૮ વધીને રૂ. ૭૪,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૨૮ વધીને રૂ. ૭૪,૧૩૩ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રૂપિયો નબળો પડવાને કારણે આયાત પડતરો વધી આવતા હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૯ વધીને રૂ. ૬૩,૩૪૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૫૦ વધીને રૂ. ૬૩,૬૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સોનામાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગત કૅલૅન્ડર વર્ષ ૨૦૨૩માં વૈશ્ર્વિક સોનાના ભાવમાં ૧૩ ટકાની તેજી રહ્યા બાદ ગઈકાલની ખ્રિસ્તી નવાં વર્ષની રજા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૬ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૦૭૪.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના સંકેતો સાથે ગત નવેમ્બર મહિનામાં સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં એક અબજ ડૉલરનો આંતરપ્રવાહ જોવા મળ્યો હતો. વધુમાં જે. પી. મોર્ગને અપેક્ષિત વ્યાજદરમાં કપાતને ધ્યાનમાં લેતા વર્ષ ૨૦૨૪ના મધ્ય સુધીમાં સોનામાં બ્રેક આઉટ રેલી સાથે ભાવ વધીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચવાની અને યુબીએસએ વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં ભાવ ઔંસદીઠ ૨૧૫૦ ડૉલર સુધી પહોંચવાની ધારણા વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button