સોનું ₹ ૨૫૨ ઝળક્યું, ચાંદીમાં ₹ ૩૨નો મામૂલી સુધારો
મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલો ફુગાવો બજારની અપેક્ષા કરતાં સાધારણ ઊંચી સપાટીએ જોવા મળ્યો હોવા છતાં મધ્યપૂર્વના દેશોની તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ભાવ ઉછળી આવ્યા હતા. તેમ જ આ સપ્તાહે સોનામાં ગત માર્ચ પછીનો સાપ્તાહિક ધોરણે સૌથી વધુનો અને ચાંદીમાં ત્રણ સપ્તાહમાં પહેલી વખત સુધારો જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫૨નો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૩૨નો મામૂલી સુધારો આવ્યો હતો. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ સાધારણ રૂ. ૩૨ના સુધારા સાથે રૂ. ૬૯,૭૩૧ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી ઉપરાંત આગામી રવિવારથી શરૂ થઈ રહેલી તહેવારી મોસમને ધ્યાનમાં લેતાં જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૫૨ના સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૧૬૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૩૯૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે પ્રવર્તમાન શ્રાદ્ધપક્ષને કારણે રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં અમેરિકામાં ફુગાવામાં થયેલા વધારાને ધ્યાનમાં લેતાં ટ્રેઝરીની યિલ્ડ તથા ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોમાં તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં રોકાણકારોની સલામતી માટેની લેવાલીને ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકા ઉછળીને ઔંસદીઠ ૧૮૮૬.૪૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૯ ટકા વધીને ૧૮૯૯.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૧૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો જોવા મળવાની ધારણા સામે સાધારણ વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ તેના વલણમાં બદલાવ કરે તેવી શક્યતા ન હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં ટ્રેઝરીની યિલ્ડમાં થયેલા વધારાને જોતા ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ધૂંધળી જણાય છે.