અમેરિકામાં રોજગારીના ડેટા નબળા આવતા વિશ્વ બજાર પાછળ સોનું રૂ. 762 ઝળકીને ફરી રૂ. 75,000ની પાર, ચાંદી રૂ. 1564 ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકામાં બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળવાની સાથે ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૯થી ૭૬૨ વધીને ફરી રૂ. ૭૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા અને ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૫૬૪નો ચમકારો આવ્યો હતો.
| Read More: 200 વર્ષ બાદ દશેરા પર બની રહ્યો છે આ શુભ યોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી નીકળવાની સાથે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૬૪ના ઉછાળા સાથે રૂ. ૮૯,૯૧૭ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ તેજીનું વલણ રહેવા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી તેમ જ આગામી તહેવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોની માગ ખૂલતા ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫૯ વધીને રૂ. ૭૫,૨૯૭ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫,૬૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે રિટેલ સ્તરની માગ મર્યાદિત રહી હતી.
ગત સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષા કરતાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ગત પાંચમી ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહે બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીઓની સંખ્યા અપેક્ષિત ૨,૩૦,૦૦૦ સામે વધીને ૨,૫૮,૦૦૦ની સપાટીએ રહી હોવાથી આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર આજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે.
| Read More: અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા Goldમાં ₹517નો અને Silverમાં ₹1319નો કડાકો
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૬૪૨.૪૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૨૬૬૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધ્યા મથાળેથી ૦.૨ ટકાના સાધારણ ઘટાડા સાથે ઔંસદીઠ ૩૧.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનાવે તેવા સકારાત્મક ડેટા આવ્યા હોવાથી હાલમાં સોનામાં સોનામાં સુધારો જોવા મળ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ જોઈએ તો વૈશ્ર્વિક સોનામાં આગામી ટૂંકા સમયગાળા માટે ઔંસદીઠ ૨૬૫૭ ડૉલરની સપાટી મહત્ત્વની છે જો ભાવ આ સપાટી કુદાવે તો વધીને પુન: ૨૬૮૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચી શકે છે.
| Read More: Goldમાં ₹517નો અને Silverમાં ₹1319નો કડાકો
જોકે, ગઈકાલના બેરોજગારીના ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૪.૩ ટકા અને વ્યાજદર યથાવત્ રાખે તેવી ૧૫.૭ ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યાના અહેવાલ હતા. જોકે, મધ્યપૂર્વના દેશોમાં પ્રવર્તમાન તણાવમાં વધારો થાય તો સોનામાં ઝડપી તેજીની શક્યતા પણ વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે