વેપાર

ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા સોનામાં રૂ. 753નો ચમકારો, ચાંદીમાં રૂ. 380ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય બજારમાં પુનઃ વૈશ્વિક ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 750થી 753નો ચમકારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 380 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 380ના ઘટાડા સાથે રૂ. 1,06,900ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારરહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ રૂ. 750 વધીને રૂ. 96,450 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 753 વધીને રૂ. 96,838ના મથાળે રહ્યા હતા. જોકે, રાબેતા મુજબ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે વૈશ્વિક ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 3321.68 ડૉલર અને 3329.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 36.42 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આજે એકંદરે સોનાને ડૉલર ઈન્ડેક્સની નરમાઈનો ટેકો મળ્યો હોવાથી ભાવમાં સુધારો જોવા મળ્યો હોવાનું એબીસી રિફાઈનરીના ગ્લોબલ ઈન્ટ્ટ્યૂિશનલ માર્કેટના હેડ નિકોલસ ફ્રેપલે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં કોપર પર 50 ટકા અને બ્રાઝિલથી થતી આયાત પર 50 ટકા ટૅરિફ આગામી પહેલી ઑગસ્ટથી અમલી થવાની જાહેરાત કરી હતી. તેમ જ અન્ય 14 વેપારી ભાગીદાર દેશોનો પણ પહેલી ઑગસ્ટથી ટૅરિફના અમલની જાણ કરતો પત્ર લખ્યો હતો. આમ વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ સપાટી પર આવવાને કારણે પણ સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું કે હાલમાં અમેરિકાનાં તમામ સમાચારો પર બજારની નજર હોવાથી સોના સહિતની તમામ બજારોમાં ભારે ચંચળતાનું વલણ જોવા મળી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં 0.2 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ટ્રેઝરીની યિલ્ડ પણ ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએથી પાછી ફરી હોવાથી સોનામાં સુધારો જોવા મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલના માત્ર બે જ નીતિઘડવૈયાઓએ વ્યાજદરમાં શક્ય તેટલા વહેલા ઘટાડો કરવાની તરફેણ કરી હતી, જ્યારે અન્ય અધિકારીઓએ ફુગાવો જ્યાં સુધી લક્ષ્યાંકિત સપાટી સુધી ન પહોંચે ત્યાં સુધી અને ટ્રમ્પની ટૅરિફની નીતિની ફુગાવા પર કેવીક અસર પડે છે ત્યાં સુધી રાહ જોવી જોઈએ એવું મંતવ્ય આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હવે ફેડરલની આગામી બેઠક 29-30 જુલાઈના રોજ યોજાનાર છે.

આ પણ વાંચો…વિશ્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 599નું અને ચાંદીમાં રૂ. 1159નું બાઉન્સબૅક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button