
મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાના ફુગાવામાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત રોજગાર ક્ષેત્ર પણ નબળું પડી રહ્યું હોવાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી નોંધાવ્યા બાદ પાછા ફર્યા હતા.
જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને ઔંસદીઠ 3650 ડૉલરની સપાટીની ઉપર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.7 ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ 42 ડૉલરની સપાટી કુદાવી ગયા હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ વધુ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 3509ના ઝડપી ઉછાળા સાથે 1.28 લાખની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ સોનામાં પણ વિશ્વ બજાર પાછળ 10 ગ્રામદીઠ રૂ. 608થી 610ની તેજીનો પવન ફૂંકાઈ જતાં ભાવ પુન: 1.09 લાખની સપાટી પાર કરી ગયા હતા.
તાજેતરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ, પ્રવર્તમાન ભૂરાજકીય તણાવ અને સોનામાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ધ્યાનમાં લેતા યુબીએસએ વર્તમાન કૅલૅન્ડર વર્ષના અંત સુધીમાં સોનાના ભાવનો અંદાજ અગાઉના અંદાજની સરખામણીમાં ઔંસદીઠ 300 ડૉલર વધારીને 3800 ડૉલરનો તેમ જ વર્ષ 2026ના મધ્ય સુધીનો અંદાજ 200 ડૉલર વધારીને 3900 ડૉલરનો મૂક્યો છે.
વધુમાં સ્વિસ બૅન્કે પણ વર્ષ 2025ના અંત સુધીમાં સોનાના એક્સચેન્જ ટે્રડેડ ફંડમાં સોનાનું હોલ્ડિંગ વધીને 3900 ટન આસપાસ રહેવાનો અંદાજ મૂક્યો છે. નોંધનીય બાબત એ છે કે અગાઉ ઑક્ટોબર 2020માં સોનાનું હોલ્ડિંગ વધને 3915 ટનની સપાટીએ રહ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીને ટેકે વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 3509ના ઝડપી ઉછાળા સાથે રૂ. 1,28,008ની સપાટીએ રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી.
વધુમાં સોનામાં પણ તેજીનો વક્કર જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 608 વધીને રૂ. 1,09,268 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 610 વધીને રૂ. 1,09,707ની સપાટીએ રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની લેવાલી અત્યંત નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ફેડરલ રિઝર્વ દ્વારા રેટકટની શક્યતા વચ્ચે આજે ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાની તેજીને ટેકો મળતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને ઔંસદીઠ 3650.23 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ સપ્તાહમાં અત્યાર સુધીમાં 1.8 ટકાની ભાવ વૃદ્ધિ થઈ છે.
જ્યારે સોનાના ડિસેમ્બર વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને 3689.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધ સામે 1.7 ટકા ઉછળીને ઔંસદીઠ 42.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે ગઈકાલે અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવામાં 0.4 ટકાની વૃદ્ધિ થઈ હોવાથી ફેડરલ રિઝર્વ વર્તમાન કૅલૅન્ડર વર્ષમાં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવો બજારમાં આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે જો આ શક્ય બને તો સોનાની તેજીને વધુ ઈંધણ મળશે.
જોકે, હાલના તબક્કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 100 ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે. અમુક ટેક્નિકલ એનાલિસ્ટો સોનામાં ઔંસદીઠ 3900 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવું માની રહ્યા છે.