અમેરિકાએ ગોલ્ડ બારની આયાત પર ટૅરિફ લાદી હોવાના અહેવાલે સોનાનો વાયદો 1.4 ટકા ઉછળ્યો...

અમેરિકાએ ગોલ્ડ બારની આયાત પર ટૅરિફ લાદી હોવાના અહેવાલે સોનાનો વાયદો 1.4 ટકા ઉછળ્યો…

સ્થાનિક સોનામાં રૂ. 703ની આગેકૂચ, ચાંદી રૂ. 357 ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ વધીને ગત 23 જુલાઈ પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, અમેરિકાએ એક કિલો ગોલ્ડ બાર અથવા તો એક કિલોની લગડી પર અને 100 આૈંસના સોનાના બાર પર ઊંચી ટૅરિફ લાદી હોવાના અહેવાલો પ્રસારિત થતાં આજે સોનાના વાયદામાં ભાવ 1.4 ટકા ઉછળીને આૈંસદીઠ 3534.10 ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

જ્યારે ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 700થી 703ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 357નો ઘટાડો આવતા બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 357ના ઘટાડા સાથે રૂ. 1,14,893ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 12 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ભાવ 10 ગ્રામદીઠ રૂ. 700 વધીને રૂ. 1,01,000 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 703 વધીને રૂ. 1,01,406ના મથાળે રહ્યા હતા. જોકે, આજે પણ રાબેતા મુજબ સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલની ગત 23 જુલાઈ પછીની ઊંચી આૈંસદીઠ 3396.92 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ખાસ કરીને અમેરિકાની ગોલ્ડ બાર પરની ટૅરિફના અહેવાલો સાથે ભાવ આગલા બંધ સામે 1.4 ટકાના તોતિંગ ઉછાળા સાથે આૈંસદીઠ 3502.90 ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 38.41 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગઈકાલે ફાઈનાન્સિય ટાઈમ્સે કસ્ટમ્સ ઍન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગનો પત્ર દર્શાવીને અમેરિકાએ એક કિલો ગોલ્ડ બાર અને 100 આૈંસ સોનાના બારને ઊંચી ટૅરિફ હેઠળના કસ્ટમ કૉડમાં વર્ગિકૃત કરવામાં આવ્યું હોવાના અહેવાલો પ્રસારિત કરતાં સોનાના વાયદામાં ઉછાળો આવ્યો હતો. તેમ જ હાજર અને વાયદાના ભાવ વચ્ચેનો તફાવત પણ વધીને 100 ડૉલર આસપાસનો થયો હતો. એકંદરે અમેરિકાના આ પગલાંની ખાસ કરીને સોનાના વૈશ્વિક અગ્રણી રિફાઈનિંગ હબ ગણાતા સ્વિત્ઝર્લેન્ડ પર માઠી અસર પડે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

આ ફેરફારો બે સપ્તાહ કે એક મહિનામાં અમલી નહીં થાય, આથી તમે તાત્કાલિક ધોરણે વધુ બાર મોકલી નહીં શકે. જોકે, તમે આજે મોકલો તો સ્વિસ લંડનના ભાવ ઉપરાંત અતિરિક્ત ટૅરિફ ઉમેરતા જે મળે તે અમેરિકા ખાતેનો નવો ભાવ રહેશે, એમ યુબીએસનાં કૉમૉડિટી એનાલિસ્ટ ગિઓવાની સ્ટોનોવોએ જણાવતા ઉમેર્યું હતું કે આને કારણે લંડનના ભાવની તુલનામાં અમેરિકા ખાતેના ભાવના પ્રીમિયમમાં વધારો થશ કેમ કે ટૅરિફને કારણે પડતરોમાં વધારો થશે.

વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો પર લાદેલી ઊંચી ટૅરિફનો અમલ કરતાં સ્વિત્ઝર્લેન્ડ, બ્રાઝિલ અને ભારત જેવાં મોટા વેપારી ભાગીદાર દેશો સારી ટ્રેડ ડીલ માટેના પ્રયાસો કરી રહ્યા હોવાથી તેમ જ આર્થિક અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સોનાને સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનવાથી પણ સોનાની તેજીને ટેકો મળી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતાઈ અને વ્યાજદરમાં કપાતની આશા પર પાણી ફરી વળતા

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button