વેપાર

ચાંદીમાં નફારૂપી વેચવાલીએ રૂ. ૧૭૬૪ની પીછેહઠ, સોનું રૂ. ૬૯ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે અમેરિકાના રોજગારીનાં તેમ જ જીડીપીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૬૮૫.૪૨ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ રહેતાં ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હતો. આમ વિશ્ર્વ બજારને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૬૯નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણે કિલોદીઠ રૂ. ૧૭૬૪નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી આક્રમક નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૬૪ ઘટીને રૂ. ૯૦,૭૫૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯ના ઘટાડા સાથે ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૫,૩૭૮ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૫,૬૮૧ના મથાળે રહ્યા હતા.

અમેરિકા ખાતે ગત સપ્તાહે બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીની સંખ્યા અપેક્ષિત ૨,૪૫,૦૦૦ સામે ઘટીને ચાર મહિનાની નીચી ૨,૧૮,૦૦૦ની સપાટીએ રહી હોવાના તેમ જ છેલ્લા ત્રિમાસિકગાળામાં અમેરિકાનો જીડીપી વૃદ્ધિદર ત્રણ ટકાના સ્તરે યથાવત્ રાખ્યો હોવાના અહેવાલ સાથે વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કુલ ૧૦૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં તેજીનું વલણ જોવા મળ્યા બાદ ઊંચા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૬૬૬.૬૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩૫ ટકા ઘટીને ૨૬૮૫.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬૭ ટકા ઘટીને ઔંસદીઠ ૩૧.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ દ્વારા ૫૦ બેસિસ પૉઈન્ટના હળવી નાણાનીતિ અપનાવવાના સંકેત ઉપરાંત વર્ષ ૨૦૨૪માં કુલ એક ટકાનો અને વર્ષ ૨૦૨૫માં વધુ એક ટકાનો કાપ મૂકવાનો નિર્દેશ આપતા સોનામાં તેજીનું વલણ જોવા મળ્યું છે. તે જોતા સોનામાં તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં એલકેપી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક જતીન ત્રિવેદીએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલ વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૨૬૦૦ ડૉલરની સપાટી મજબૂત ટેકાની સપાટી જણાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker