વેપાર

અમેરિકા-વેનેઝુએલા વિવાદ વચ્ચે સોના-ચાંદી ઝળક્યાં સ્થાનિક સોનામાં રૂ. 1386નો અને ચાંદીમાં રૂ. 2513નો ચમકારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને તેના પ્રમુખ નિકોલસ માદુરોને પકડ્યાના નિર્દેશો સાથે ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ પ્રબળ બનતાં સોનાના ભાવમાં 2.4 ટકાનો અને ચાંદીના ભાવમાં 4.9 ટકાનો ઉછાળો આવ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1381થી 1386નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2513નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ માગ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. 2513ના ચમકારા સાથે રૂ. 2,37,063ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1381 વધીને રૂ. 1,35,623 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1386 વધીને રૂ. 1,36,168ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 2.4 ટકા વધીને આૈંસદીઠ 4433.29 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 2.6 ટકા વધીને 4443.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 4.9 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 76.18 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત સપ્તાહના અંતે અમેરિકા-વેનેઝુએલા વચ્ચે ભૂરાજકીય તણાવ વધવાથી આજે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગનો ટેકો મળ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક ઝેઈન વાવદાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત રવિવારે પત્રકાર વર્તુળોને જણાવ્યું હતું કે જો વેનેઝુએલા અમારા માટે તેલની બજાર ખોલવામાં અને અમેરિકામાં ડ્રગ્ઝ ટ્રાફિકિંગ બંધ કરવામાં સહકાર નહીં આપે તો અમે વધુ ઉગ્ર પગલાં લેશું એમ કહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ જળવાઈ રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં હાલ બજારની નજર બુધવારે જાહેર થનરા અમેરિકાના ઔદ્યોગિક ઉત્પાદનના પીએમઆઈ તથા સર્વિસના ડેટા ઉપરાંત સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર છે. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ વર્ષ 2026માં બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button